'નિર્ભયા'નાં માતાએ કહ્યું 'કાયદો તેમના હાથમાં છે તો કોની સામે રેલી કરી રહ્યાં છે મમતા બેનરજી'
નિર્ભયાનાં માતા આશા દેવીએ કોલકાતા આરજી કર હૉસ્પિટલમાં જુનિયર તબીબના બળાત્કાર અને હત્યા મામલે પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારની કામગીરી ઉપર સવાલ ઉઠાવતાં કહ્યું છે, "આરોગ્ય વિભાગ, પોલીસ અને કાયદો મુખ્ય મંત્રી હેઠળ જ આવે છે, તો મમતા બેનરજી કોની સામે પ્રદર્શન કરી રહ્યાં છે તથા કોની સમક્ષ ફાંસીની માગ કરી રહ્યાં છે? કમ સે કમ નીચલી અદાલતમાં તેઓ કેસને સારી રીતે રજૂ કરી શક્યાં હોત."
વર્ષ 2012માં દિલ્હીમાં મહિલા ફિઝિયથૅરાપિસ્ટ સાથે ચાલતી બસે બળાત્કાર કરીને નૃશંસ રીતે તેની હત્યા કરી દેવામાં આવી હતી. એ પછી દેશભરમાં વિરોધપ્રદર્શન ફાટી નીકળ્યાં હતાં, પ્રદર્શનકારીઓએ આ પીડિતા 'નિર્ભયા' નામ આપ્યું હતું.
નિર્ભયાનાં માતાના કહેવા પ્રમાણે, "દેશમાં ઘણું બદલાયું છે, પરંતુ મહિલાઓ સાથે રેપની ઘટનાઓમાં કોઈ પરિવર્તન નથી આવ્યું. કારણ કે મને લાગે છે કે મહિલાઓની સુરક્ષાની દિશામાં કોઈ જ કામ નથી થયું. કાયદા અને ફાસ્ટટ્રૅક કોર્ટને કારણે કોઈ ફેર નથી પડ્યો."
કોલકાતાની આરજી કર હૉસ્પિટલમાં જુનિયર તબીબ સાથે બળાત્કાર અને હત્યાની ઘટના બાદ દેશભરમાં અલગ-અલગ સ્થળોએ તબીબો પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે કોલકાતામાં પણ ડૉક્ટરો વિરોધપ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.
પોલીસના આદેશ પ્રમાણે રવિવારે તા. 18 ઑગસ્ટથી સાત દિવસ માટે આરજી કર કૉલેજ અને હૉસ્પિટલ બહાર બીએનએસ 163 હેઠળ નિષેધાજ્ઞા બહાર પાડવામાં આવી છે. ગેરકાયદેસર રીતે લોકોને એકઠા થતાં અટકાવવા માટે આ નોટિસ કાઢવામાં આવી હોવાનું પણ જણાવાયું છે.
ઇન્ડિયન મેડિકલ ઍસોસિયેશન દ્વારા 24 કલાકના રાષ્ટ્રવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જે રવિવારે સવારે સમાપ્ત થયું.આ પહેલાં આરજી કર હૉસ્પિટલમાં તથા ડૉક્ટરોના પ્રદર્શનસ્થળ ઉપર હુમલાની ઘટના નોંધાઈ છે.