શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 22 માર્ચ 2020 (16:02 IST)

Kutch Corona-સરહદી કચ્છમાં કોરોનાની ઘૂસણખોરી, કોરોનાએ મહાનગરોની સરહદ ઓળંગી

કોરોના ધીમે-ધીમે ગુજરાતને બાનમાં લઇ રહ્યો હોય એમ લાગી રહ્યું છે ગુજરાતમાં અત્યાર સુધી 13 કેસ પોઝિટિવ આવી ચૂક્યા છે. જે મહાનગરોમાં જ જોવા મળ્યા છે. પરંતુ હવે કોરોના વાયરસ ગુજરાતના મહાનગરો પુરતા જ સિમિત રહેતા તેને કચ્છને પણ ચપેટમાં લઈ લીધું છે. સરહદી કચ્છમાં કોરોનાએ ઘૂસણખોરી કરી છે. લખપત તાલુકાની એક મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. પ૯ વર્ષિય આ મહિલાને ભુજની જનરલ હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં સધન સારવાર આપવામાં આવી રહી છે.  
 
કચ્છમાં એક જ દિવસમાં કોરોનાના પાંચ શંકાસ્પદ કેસ સામે આવ્યા હતા. જે પૈકી આ મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બીજી તરફ આજે બીએસએફના એક પ૩ વર્ષિય જવાનમાં કોરોનાના લક્ષણો જોવા મળતા ભુજની જનરલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. કચ્છમાં કોરોના વાઈરસની એન્ટ્રીને લઈને લોકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે. તથા અત્યાર સુધી કોઈ ભય વગર ફરતા લોકો પણ સાવચેતીના પગલા લેતા થઈ ગયા છે.
 
કચ્છ જિલ્લામાં ગઈકાલે એક જ દિવસમાં કોરોના વાઈરસની અસર હોય તેવા પાંચ શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેના લોહીના નમૂના લઈને રિપોર્ટ માટે મોકલાયા હતા. જેમાં ઉમરાહ માટે સાઉદી અરબ ગયેલા લખપત તાલુકાના એક દંપતિનો પણ સમાવેશ થતો હતો. દરમિયાનમાં આજે આ બંને પૈકી પતિનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે મહિલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કચ્છમાં કોરોનાનો પ્રાથમ કેસ નોંધાતા જ તંત્ર એલર્ટ બની ગયું છે. 
 
આ મહિલાના સંપર્કમાં આવેલા લોકોની યાદી તૈયાર કરી તમામના મેડિકલ ચેકઅપ માટે કાર્યવાહી શરૃ કરી દેવામાં આવી છે. બીજી તરફ આજે કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ નોંધાયો છે. ગાજીયાબાદ-દિલ્હીથી ગાંધીધામ પરત ફરેલા ૫૩ વર્ષિય બીએસએફ જવાનને શરદી ખાંસી હોઈ લોઅર રેસ્પીરેટરી ટ્રેકટ ઈન્ફેકશન જોવા મળ્યુ હતુ. જેના પગલે ભુજમાં જી.કે.જનરલ હોસ્પીટલમાં સારવાર હેઠળ રાખવામાં આવેલ છે.  તંત્ર દ્વારા દર્દીના સેમ્પલને લેબમાં મોકલવા તજવીજ હાથ ધરાઈ છે.
 
કોરોનાના નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જિલ્લા પંચાયતમાં મોડી સાંજે બોલાવેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતાં જણાવ્યું કે, જેનો ડર હતો એ કોરોનાએ કચ્છમાં દસ્તક દઈ દીધા છે. કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તે મહિલા હજ કરી આવ્યા હોવાથી તેમના સ્વાગતમાં જોડાયેલા 12 લોકો હાઈ રિસ્ક છે. તેમના સહિત 56 જણ અને એમ્બ્યુલન્સ ડ્રાઈવરને આઈસોલેટેડ કરાશે. મહિલાની જી.કે. જનરલ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર ચાલે છે. તેમની તબિયત ચિંતાજનક નથી. જી.કે.માંથી છ શંકાસ્પદ દર્દીના સેમ્પલ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ સ્થિત નોડલ લેબોરેટરીમાં મુકાયા હતા, જેના આજે રિપોર્ટ આવ્યા છે. એક મહિલાને બાદ કરતાં અન્યના રિપોર્ટ નેગેટિવ છે.આજે ગાઝિયાબાદ-દિલ્હીથી પરત આવેલા બીએસએફના 53 વર્ષીય જવાન સહિત બે સેમ્પલ આજે લેબ પરીક્ષણ હેતુ મોકલાવાશે. કચ્છમાં કોરોનાના 10 શંકાસ્પદ કેસ હતા. અત્યારે જી.કે. જનરલ હોસ્પિટલમાં છ દર્દી સારવાર હેઠળ છે. 
 
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે વધુ વિગતો આપતાં જણાવ્યું કે, કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તે મહિલાને મળેલા લોકો મુખ્યત્વે આશાલડી અને કોટડા મઢ ગામના છે. આ ગામોમાં કલમ-144 લગાડી દેવા વિચારણા છે. સંપર્કમાં આવેલા લોકોને સારવાર આપવા કવોરેન્ટમ ફેસેલિટી જીએમડીસી અથવા બીએડીપીના ગેસ્ટહાઉસ ખાતે અપાશે અને ઓછા જોખમવાળાને ઘરે રહેવા સૂચના અપાશે. જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી. તબીબો ટીમ સાથે સારવાર આપે છે. 
 
આ ઉચ્ચાધિકારીઓએ રવિવાર આવતીકાલના જનતા કર્ફ્યુના વડાપ્રધાનના એલાનને અનુસરે અને જિલ્લા વહીવટી તંત્ર અને ડોક્ટરોને સહકાર આપે તેવો જાહેર જનતા જોગ અનુરોધ કર્યો હતો. જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને મળવા માટે સગાઓને પ્રવેશ?બંધ જ છે. ઓપીડી પણ 50 ટકા ઘટાડી નાખી છે.