શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 17 માર્ચ 2020 (11:19 IST)

કચ્છમાં ૮૦ હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટના વિશ્વના સૌથી મોટા સોલાર પાર્કનું નિર્માણ કરાશે

ગુજરાતના તમામ વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત અને સતત વીજળી આપવામાં દેશભરમાં અગ્રેસર છે એટલું જ નહીં ખેડૂતોને જરૂરિયાત અનુસારની વીજ કનેક્શન સમયમર્યાદામાં મળે તેવું આયોજન કર્યું છે. ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની રૂ.૧૩,૯૧૭ કરોડની માંગણીઓ ગૃહમાં રજૂ કરતા ઊર્જા મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી મળે તે માટે રાજ્ય સરકારે સૌપ્રથમવાર ‘દિનકર યોજના’ અમલી બનાવી છે. જે અંતર્ગત માળખાકીય સુવિધાઓ ઊભી કરવા આગામી ત્રણ વર્ષ માટે કુલ રૂ. ૩૫૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આ વર્ષે રૂ. ૫૦૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. જે અંતર્ગત ખેડૂતોને સવારે ૫ થી બપોરે ૧ અને બપોરે ૧ થી રાત્રે ૯ સુધી વીજળી આપવાનું આયોજન કર્યું છે.

મંત્રીએ જણાવ્યું કે અગાઉ ૬૭૭૬ મેગાવોટ વીજળી ઉત્પાદન હતુ જે આજે ૨૯૪૫૨ મેગાવોટે પહોંચ્યું છે. જેમાં ૪૭૫ ટકાનો વધારો થયો છે વીજળી માટેના અગાઉની સરકારોમાં એટલે કે વર્ષ-૧૯૯૫માં માત્ર ૫૬૩ સ્ટેશનોની સરખામણીમાં આજે ૧૯૭૨ એટલે કે ૩૫૦ ટકાનો વધારો થયો છે. અગાઉ રાજયમાં ટ્રાન્સફોર્મરો ૧.૦૯ લાખ હતાં જે આજે વધીને ૧૬ લાખ થયા છે. અગાઉના શાસનમાં ૦.૫૮ વીજ જોડાણોની સાથે સરકારની સક્રિયતા અને આયોજનને લઈ આજે આ વીજ જોડાણો ૧.૫૬ કરોડ સુધી પહોંચ્યા છે. ખેડૂતોની વિશેષ ચિંતા કરતી આ સરકારે ૪.૨૮ લાખ વીજ જોડાણોમાં વધારો કરી ૧૭.૪૨ લાખ કર્યા છે. જીઇબીની આવક અંગે મંત્રીએ જણાવ્યું કે અગાઉ આ આવક રૂ. ૨૮૮૩ કરોડ હતી જે આજે વધીને રૂ. ૫૦ હજાર કરોડ સુધી પહોંચી છે.

ખેડૂતોને વીજ કનેકશનમાં સબસીડી આ સરકારે આપી છે. વર્ષ-૧૯૬૦ થી વર્ષ-૨૦૧૬ સુધી ૭ લાખ વીજ જોડાણો આપવામાં આવ્યા હતા. જયારે વર્તમાન સરકાર દ્વારા માત્ર આ વર્ષે જ ૧.૨૫ લાખ જોડાણો આપવામાં આવશે. સામાન્યતઃ એક વીજ જોડાણ પાછળ ખેડૂતોને રૂ. ૧.૫૦ લાખનો ખર્ચ થાય છે જેમાં ખેડૂતે માત્ર રૂ. ૧૫ હજાર જેવી નજીવી કિંમત ભરવાની થાય છે જયારે બાકીનો ખર્ચ રાજય સરકાર ભોગવે છે. રાજય સરકારે કૃષિ વીજ જોડાણ પાછળ રૂ. ૧૮૦૦ કરોડનો ખર્ચ કર્યો છે.

અગાઉ ડાંગ, નર્મદા અને દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં કોંગ્રેસના સમયમાં ૪૫ હજાર જોડાણ આપવામાં આવ્યા હતા જયારે વર્ષ-૧૯૯૫ પછી અમારી સરકારે આ વિસ્તારમાં ૨ લાખ ૭૫ હજાર વીજ જોડાણો આપ્યા છે. કોલસો, ડિઝલ, પેટ્રોલ જેવા ઈંધણોના ભાવ વધવા છતાં પણ માત્રને માત્ર અમે વીજળીમાં ખેડૂતો પાસેથી એક પૈસો વધારાનો લીધો નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે સાડા સાત એચ.પી.થી ઉપરની મોટરનો જે તફાવત હતો એ પણ એકસરખો કરીને એનો પણ લાખ તમામ ખેડૂતોને આપ્યો છે.

પ્રધાનમંત્રીએ પેરિસ કન્વેન્સન અંતર્ગત નેતૃત્વ કરીને ભારતમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સની રચના કરી છે. જે હેઠળ રિન્યુબલ એનર્જીમાં ૧ લાખ ૭૫ હજાર મેગાવોટ વીજ ઉત્પાદનનું ભારતે વચન આપ્યું છે. આ સ્વપ્નને સાકાર કરવા ગુજરાતે પહેલ કરી છે. રાજયમાં હાલ કુલ ૮૭૩૮ મેગાવોટ સૌર ઊર્જા ઉત્પાદન થઈ રહ્યું છે. જને વર્ષ-૨૦૨૨ સુધીમાં ૨૨ હજાર મે.વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે. જેના ભાગરૂપે કચ્છમાં ૮૦ હજાર હેક્ટરમાં ૨૫ હજાર મેગાવોટ વીજળી ઉત્પન્ન થાય તેવા વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ઊભો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં રૂફ ટોપ અંતર્ગત ટૂંકા ગાળામાં ૧.૨૫ લાખ લોકોએ અરજી કરી છે. જેના દ્વારા ૫૦૦ મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરાશે.

સમગ્ર દેશમાં ઘરગથ્થું ગેસ જોડાણ આપવામાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યમાં અંદાજે ૧૭ થી ૧૮ લાખ કુટુંબોને ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. એટલે કે એક કરોડ લોકોને આનો સીધો લાભ મળ્યો છે. ગ્રેસ ગ્રીડ હેઠળ રાજયના તમામ જિલ્લાઓને જોડવામાં આવશે. દરેક જિલ્લાને જોડવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. રાજ્યના તમામ જિલ્લાઓને ગ્રેસ ગ્રીડથી જોડતું દેશનું એકમાત્ર રાજ્ય ગુજરાત બનશે. મીઠા ઉદ્યોગ સાથે જોડાયેલ અગરીયાઓને મીઠાના અગરમાંથી પાણી ખેંચવા માટે સોલાર આધારિત પંપ આપવામાં આવ્યા છે, જ્યારે મીઠુ પકવવાની સિઝન ન હોય ત્યારે આ તમામ સોલાર પેનલને એકસ્થાને એકત્રીત કરીને સૌર ઊર્જા ઉત્પાદન કરવામાં આવશે અને તેમાં વધારાની વીજળીનું વેચાણ કરીને અગરીયાઓ તેમાંથી આવક મેળવશે.

મંત્રીએ ખાણ અને ખનીજની માંગણીઓ ઉપર જવાબ આપતાં કહ્યું હતું કે અગાઉ વહેલા તે પહેલાના ધોરણે બ્લોકની ફાળવણી કરવામાં આવતી હતી જ્યારે હવે કુલ ૮૦૭ બ્લોકમાંથી ૭૫૪ બ્લોકની સંપૂર્ણ પારદર્શિતાથી સફળ હરાજી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું હતું કે સુરત ખાતે વિશ્વનું સૌથી મોટુ હીરા વેપારનું ‘‘હીરાબુર્ઝ’’ નિર્માણ થઇ રહ્યું છે. આ હીરા બુર્ઝના નિર્માણ બાદ આપણા હીરાના વેપારીઓને હીરા ખરીદવા દુબઇ કે એન્ટવર્પ નહીં જવું પડે પણ ત્યાંના હીરાના વેપારીઓ સુરત ખાતે હીરા વેચવા માટે આવશે.

મંત્રીએ કહ્યું હતું કે,રાજ્યના આદિજાતિ વિસ્તારમાં આગામી સમયમાં ગુણવત્તાયુક્ત અને સતત વીજળી આપવાના હેતુથી ૪૦ થી ૫૦ નવા સબસ્ટેશન સ્થાપવામાં આવશે. અમારી સરકારનો લક્ષ્યાંક છે કે આગામી ત્રણ વર્ષમાં ઊર્જા વિભાગ સામે લોકોને કોઇ પ્રશ્ન અને માંગણી જ પડતર ન રહે તે દિશામાં અમે ઝડપથી કાર્ય કરી રહ્યા છીએ.