ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 16 માર્ચ 2020 (15:28 IST)

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ : ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યોને 65 કરોડમાં ખરીદ્યા

ગુજરાત માં રાજ્યસભા ચૂંટણી પહેલા રવિવારથી રાજકારણ ત્યારે વધુ ગરમાયું જ્યારે કૉંગ્રેસ ના 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા. સોમવારે ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતએ પણ રાજીનામું આપતા કૉંગ્રેસની મુશ્કેલીઓ વધી ગઈ છે. આ દરમિયાન સોમવારે વિધાનસભા ગૃહમાં બીજેપી અને કૉંગ્રેસ એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ મૂકી રહી છે. ગૃહમાં કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા એ એક અખબારના અહેવાલને ટાંકતા બીજેપી પર આરોપ મૂક્યો કે કૉંગ્રેસમાંથી રાજીનામા આપેલા 4 ધારાસભ્યોને 65 કરોડ રૂપિયામાં મનાવવામાં આવ્યા છે. અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે 65 કરોડનો સોદો કરવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ બીજેપી અને મુખ્યમંત્રી રૂપાણી પર આરોપ મૂકતાં કહ્યું કે, 65 કરોડ રૂપિયામાં સોદો કરવામાં આવ્યો છે. આ સોદો મુખ્યમંત્રીના બંગલે કરવામાં આવ્યો હતો. ચાવડાએ સવાલ કર્યો કે, બીજેપી આટલા રૂપિયા ક્યાંથી લાવ્યા તેનો જવાબ આપે. મુખ્યમંત્રી થોડા સમય પહેલા કહેતાં હતાં કે અમે કોઈ ભ્રષ્ટાચાર નથી કરતાં તો ધારાસભ્યો સાથે સોદો કરવા માટે 65 કરોડ રૂપિયા ક્યાંથી લાવ્યા. ચાવડાના આ આરોપ પર વિધાનસભા અધ્યક્ષે કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણી રેકોર્ડ પર નહીં લેવાય. પરંતુ કૉંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચી ગયો છે. બીજી તરફ, કૉંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાં અંગે પ્રતિક્રિયા આપતાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું કે, ગુજરાતમાં લોકશાહીનું વસ્ત્રાહરણ થયું છે.