સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: અમદાવાદ, , મંગળવાર, 26 જૂન 2018 (10:40 IST)

લોકસભાની ચૂંટણીમાં ભાજપ ગુજરાતમાં આઠ-દસ બેઠકો ગુમાવે તેવી સંભાવના

ભાજપે લોકસભાની 26 બેઠકોમાં આવતી પાર્ટીની નબળી એવી વિધાનસભાની 85 બેઠકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. થોડા સમય પહેલા કરવામાં આવેલા પાર્ટીના ઇન્ટરનલ સર્વે પ્રમાણે 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ આઠ થી દસ બેઠકો ગુમાવે છે ત્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સરકારના વિભાગોને એવી સૂચના આપી છે કે એનડીએના શાસનમાં છેલ્લા ચાર વર્ષમાં કેન્દ્ર સાથેના ગુજરાતના કેટલા પ્રશ્નો ઉકેલ્યા છે અને કેટલા પડતર રહ્યાં છે તેની યાદી બનાવો.

પાર્ટીના સૂત્રો પ્રમાણે ભાજપ માટે  ગુજરાતની  પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, જૂનાગઢ, અમરેલી, ભરૂચ, જામનગર, આણંદ લોકસભા બેઠક જોખમી બની છે. ભાજપ માટે કચ્છ, બનાસકાંઠા, અમદાવાદ ઇસ્ટ અને વેસ્ટ, વડોદરા, ગાંધીનગર, ભાવનગર, ખેડા, બારડોલી, સુરત,નવસારી અને વલસાડ બેઠક પર કોઇ જોખમ નથી. એટલે કે ભાજપને જોખમ છે એવી 14 બેઠકો પર એડી ચોટીનું જોર ભાજપ લગાવે તેમ મનાય છે.

લોકસભાની આ વખતની ચૂંટણી ભાજપ માટે 2014 જેટલી સરળ નહીં રહે એ વાત તો નિશ્વિત છે. પેટ્રોલ-ડીઝલના ભડકે બળતા ભાવ સામે દેશભરમાં રોષ છે અને ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. વળી, બેરોજગારી પણ મોટો મુદ્દો છે. સાથે જ રાજ્ય સરકાર દ્વારા ધીમી ગતિએ થતા કામો સામે લોકોમાં રહેલો રોષ લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે પડી શકે છે. તેમાંય હાર્દિક પટેલ, જિજ્ઞેશ મેવાણી અને અલ્પેશ પટેલ જેવા યુવા નેતાઓ કે જે છેલ્લા કેટલાક સમયથી શાંત છે તે ફરી સક્રિય બની રહ્યા છે, એ જોતાં આગામી દિવસોમાં રાજ્યની ભાજપ સરકાર માટે ઘણા મુશ્કેલીભર્યા રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. કોંગ્રેસ પણ સરકારને પાણી અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી રહી છે. આમ, 2019ની ચૂંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ઘણા ‘નાટકો’ જોવા મળી શકે છે. ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી માટે પોતાના ગૃહરાજ્યને સંભાળવા માટે કોઈ મોટું પગલું ઉઠાવવું જ પડશે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

લોકસભાની ચૂંટણી નજીક આવતા જ એક તરફ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીર હાર્દિક પટેલ ફરી સક્રિય થઈ ગયા છે અને‘મહાપંચાયત’ યોજવાની જાહેરાત કરી દીધી છે, તો બીજી તરફ ગુજરાતની ભાજપ સરકારમાં અંદરખાને કંઈક રંધાઈ રહ્યાનું દેખાઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાની વાતો સોશયલ મીડિયા પર વહેતી થઈ રહી છે. આ ઉપરાંત રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા શંકરસિંહ વાઘેલાના જૂથમાં પણ બેઠકો શરૂ થઈ ગઈ છે. આ બધી રાજકીય હલચલો વચ્ચે એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો અને અન્ય મુદ્દો પરથી લોકોનું ધ્યાન બીજે દોરવા માટેનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે.  

ગુજરાતમાં ભાજપે 150 બેઠકો જીતવાનો ટાર્ગેટ રાખ્યો હતો, જેની સામે તેને માત્ર 99 બેઠકો જ મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. સૌરાષ્ટ્રમાં તો ભાજપ સાવ ધોવાઈ ગયો હતી જેનુ એક કારણ ગુજરાતની ભાજપ સરકાર દ્રારા થયેલ ખેડૂતોની અવગણના છે.ત્યારે 2019 માં કેન્દ્રની લોકસભામાં ગુજરાતની આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તેનો ડર ભાજપને સતાવી રહ્યો છે એમ કહેવુ અનુચિત નથી.!!!