મુંબઈમાં ચોમાસાના વરસાદને કારણે એકનું મોત, પુલ નીચે ફસાયેલી બસમાંથી 27 લોકોને બચાવી લેવામાં આવ્યા
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં અવિરત વરસાદની સાથે, સોમવારે શહેરમાં વૃક્ષો પડવા અને શોર્ટ સર્કિટના બનાવો પણ નોંધાયા હતા. શહેરમાં ટ્રાફિક જામ હતો, જેના કારણે મુસાફરોને દિવસભર પાણીમાં ડૂબેલા રસ્તાઓ પર વાહન ચલાવવાની તકલીફમાં વધારો થયો હતો. તે જ સમયે, વિક્રોલીના કન્નમવર નગર વિસ્તારમાં ભારે વરસાદ દરમિયાન ગણેશ મેદાન પર ઝાડ પડવાથી બે લોકો ઘાયલ થયા હતા અને એક યુવાનનું મોત નીપજ્યું હતું. મૃતક યુવકનું નામ તેજસ નાયડુ છે. અન્ય બે ઘાયલ થયા હતા.
રેલવે પુલ નીચે પાણીમાં ફસાઈ ગઈ બસ
સોલાપુરમાં ભારે વરસાદને કારણે, રેલવે પુલ નીચે એક બસ પાણીમાં ફસાઈ ગઈ છે. હાલમાં, 27 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ અને ફાયર બ્રિગેડની તાત્કાલિક કાર્યવાહીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. ગઈકાલે રાત્રે તુલજાપુર-બાર્શી રોડ પર મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે, બસ તુલજાપુરથી બાર્શી તરફ રવાના થઈ હતી. બસ બાર્શી શહેરથી બે કિલોમીટર દૂર એક રેલ્વે પુલ નીચે ફસાઈ ગઈ.
ભારે પાણી ભરાઈ જવાને કારણે મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમની બસમાં પાણી ઘૂસી ગયું. બસમાં પાણી ઘૂસી જવાને કારણે બસ બંધ થઈ ગઈ. બસમાં અચાનક પાણી ઘૂસવા લાગતાં મુસાફરો થોડા સમય માટે ચિંતિત થઈ ગયા. જોકે, બાર્શી શહેરની પોલીસ અને ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને તમામ 27 મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બસમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો.