ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 એપ્રિલ 2022 (11:14 IST)

રૂપાણી’ સરકારનો નિર્ણય 'પટેલ’ સરકારે બદલ્યો:

cm bhupendra
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના માનમાં તેમના વતન ચોટીલા ખાતે મ્યુઝિયમ સ્થાપવા 2021-22ના બજેટમાં કરેલી નાણાકીય જોગવાઇની રકમ રાજ્ય સરકારે વડનગરમાં સ્થપાતા મ્યુઝિયમ માટે ફાળવવાની મંજૂરી આપી દીધી છે. હાલ રાજ્ય સરકારનું ફોકસ વડનગરમાં વૈશ્વિક કક્ષાનું આર્કિયોલોજિકલ મ્યુઝિયમ સ્થાપવા પર છે, એ માટેની જમીન સંપાદન પાછળ ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ માટે ફાળવેલી રકમ ખર્ચાશે.
 
વડનગરમાં વર્ચ્યુઅલ એક્સપિરિયન્શિયલ ગેલરી બનાવવા માટે 2019-20ના બજેટમાં 1 કરોડની અને જમીન સંપાદન માટે 4 કરોડની જોગવાઇ કરી હતી. વડનગરમાં ઉત્ખનન સ્થળની આસપાસ આવેલી 6 હજાર ચો.મી. જમીન આ મ્યુઝિયમના પર્યટકોની સલામતી-સુરક્ષા માટે સંપાદિત કરવાની દરખાસ્ત પુરાતત્ત્વ નિયામકે કરી હતી. ખાનગી માલિકીની જમીન સંપાદન કરવા માટે વળતર પેટે ખાસ જમીન સંપાદન અધિકારી અને પ્રાંત અધિકારી ખેરાલુના નામે 3 કરોડ રૂપિયા જમા કરાવવાના થાય છે.
 
બીજી તરફ, ચોટીલા ખાતે ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમ માટે બજેટમાં 5 કરોડની જોગવાઇ કર્યા બાદ કોરોના અને વહીવટી કારણસર જમીન ફાળવણી ન થઇ હોવાથી આ 5 કરોડની રકમ પૈકી 3 કરોડ રૂપિયા વડનગર મ્યુઝિયમના જમીન સંપાદનના વળતર પેટે ફાળવવા પુરાતત્ત્વ નિયામકની દરખાસ્તને સરકારે મંજૂરી આપી છે. નાણાં વિભાગની મંજૂરી લીધા બાદ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગે મેઘાણી મ્યુઝિયમ માટે જોગવાઇ કરેલી રકમ વડનગર મ્યુઝિયમ માટે ચૂકવવા મંજૂરી આપી છે.
 
ચોટીલા મ્યુઝિયમની યોજના શું હતી?
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં જીવન, પત્રકારત્વ તથા સાહિત્ય ક્ષેત્રમાં યોગદાન વિષય આધારિત સંગ્રહાલયની રચના કરવાની જાહેરાત ગુજરાત સરકાર દ્વારા કરાઈ હતી અને આ માટે જમીન ફાળવણી તેમજ મ્યુઝિયમ સહિતની સુવિધા ઊભી કરવા માટે ગત વર્ષના બજેટમાં 5 કરોડની જોગવાઇ પણ કરી હતી. જોકે સમગ્ર વર્ષ દરમિયાન આ મ્યુઝિયમ માટે સરકાર તરફથી કોઇ પ્રક્રિયા કરાઇ નથી કે જમીન પણ ફાળવાઇ નથી.
 
વડનગર ઉત્ખનન સ્થળને બફર ઝોન બનાવાશે
વડનગરમાં સ્થપાનારા આર્કિયોલોજિકલ મ્યુઝિયમ-વર્ચ્યુઅલ એક્સપિરિયન્શિયલ ગેલેરી સાથે જોડાયેલી 6 હજાર ચો.મી. ખાનગી જમીન સંપાદન કરીને મ્યુઝિયમ સાથે જોડાયેલા ઉત્ખનન સ્થળને બફર ઝોન બનાવવાનું આયોજન પુરાતત્ત્વ નિયામકે કર્યું છે. આ મ્યુઝિયમમાં આવનારા પર્યટકોની સલામતી-સુરક્ષાના કારણસર અને તેઓ આ સ્થળની આસપાસ પરિભ્રમણ કરી શકે એ માટે આ જમીન સંપાદન કરાશે, જેના વળતર પેટે 3 કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.