1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 11 જુલાઈ 2024 (16:30 IST)

ઑસ્ટ્રિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 'ભારતે વિશ્વને યુદ્ધ નહીં બુદ્ધ આપ્યા છે'

રશિયાની યાત્રા પછી ઑસ્ટ્રિયા પહોંચીને નરેન્દ્ર મોદીએ બુધવારે ઑસ્ટ્રિયામાં રહેતા ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે ભારતની અર્થવ્યવસ્થા, નીતિ અને ઑસ્ટ્રિયા અને ભારતના ઐતિહાસીક સંબંધનો ઉલ્લેખ કર્યો હતો.
 
તેમણે કહ્યું, "ભારત અને ઑસ્ટ્રિયાના સંબંધો ઐતિહાસિક રહ્યા છે. વિયેનાની યૂનિવર્સિટીમાં લગભગ 200 વર્ષ પહેલાં સંસ્કૃતનો અભ્યાસ શરૂ થયો હતો."
 
તેમણે ગાંધીજીની વિદ્યાર્થિની મીરા બહેનનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે પોતાનો અંતિમ સમય વિયેનામાં જ વિતાવ્યો હતો.
 
વડા પ્રધાન મોદીએ સંબોધનમાં લોકસભાની ચૂંટણીનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લોકસભાની ચૂંટણી વિશે કહ્યું, "થોડાક જ અઠવાડિયાં પહેલાં થયેલી ચૂંટણીમાં 65 કરોડ લોકોએ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો અને આટલી વિશાળ ચૂંટણીના પરિણામો ગણતરીના કલાકોમાં જ આવી જાય છે.”
 
તેમણે આ વાતનો શ્રેય ભારતની ચૂંટણી વ્યવસ્થા અને ભારતના લોકતંત્રને આપ્યો.
 
તેમણે કહ્યું, "આ ચૂંટણીમાં સેંકડો રાજકીય દળોના આઠ હજારથી વધારે ઉમેદવારોએ ભાગ લીધો હતો. આ સ્તર પર અને આટલી વિવિધતાવાળી ચૂંટણી પછી જનતાએ પોતાનો જનાદેશ આપ્યો છે."
 
તેમણે કહ્યું, "60 વર્ષ પછી એક સરકારને સતત ત્રીજી વખત ભારતની સેવા કરવાનો મોકો મળ્યો છે. કોવિડ પછી આપણે વિશ્વમાં ચારેતરફ રાજકીય અસ્થિરતા જોઈ છે. મોટાભાગના દેશોમાં સરકારો માટે ફરીથી સરકાર બનાવી સરળ નથી રહીં. ફરીથી ચૂંટાઈને સરકારમાં આવવું એક મોટો પડકાર રહ્યો છે."
 
"આવી સ્થિતિમાં ભારતના લોકોએ મારા પર, મારી પાર્ટી પર અને એનડીએ પર ભરોસો કર્યો. આ જનાદેશ એ વાતનું પ્રમાણ છે કે ભારત સ્થિરતા અને નિરંતરતા ઇચ્છે છે. આ નિરંતરતા છેલ્લાં દસ વર્ષોના કાર્યક્રમો અને નીતિઓની છે."
 
વડા પ્રધાન મોદીએ કહ્યું કે 41 વર્ષ પછી કોઈ ભારતીય વડા પ્રધાન ઑસ્ટ્રિયા પહોંચ્યા છે.
 
આ પહેલાં મોદીએ પોતાના ત્રીજા કાર્યકાળની પ્રથમ વિદેશી યાત્રા માટે રશિયાનું ચયન કર્યું હતું.
 
મોદી જે દિવસે રશિયા પહોંચ્યા તે દિવસે જ યુક્રેનમાં બાળકોની એક હૉસ્પિટલ પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકોનાં મોત થયાં હતાં. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય સ્તરે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડા પ્રધાન મોદીની મુલાકાત પર પણ સવાલો ઊઠ્યા હતા.
 
ઑસ્ટ્રિયાના એક દિવસીય પ્રવાસ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે ભારત પાછા ફરશે.