સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 23 મે 2022 (08:06 IST)

પંજાબ: બોરવેલમાં પડેલા બાળકનું મોત, 8 કલાક ચાલ્યું બચાવ અભિયાન

પંજાબના હોશિયારપુર જિલ્લાના ગઢદીવાલામાં બોરવેલમાં પડેલા 6 વર્ષીય ઋતિકનું મોત થયું છે. હોશિયારપુરના સિવિલ હૉસ્પિટલના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો.
 
રાજ્યના કૅબિનેટમંત્રી બ્રહ્મશંકર જિપ્પાએ બાળકના મોતની પુષ્ટિ કરી છે. તેમણે પીડિત પરિવારને મુખ્ય મંત્રી રાહતકોષમાંથી બે લાખ રૂપિયાની સહાયનું એલાન કર્યું છે.
 
તેમણે કહ્યું કે મુખ્ય મંત્રી ભગવંત માને પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
 
બાળકને બચાવવા માટે અંદાજે આઠ કલાક અભિયાન ચાલ્યું હતું. એનડીઆરએફની ટીમે ઋતિકને બે વાર બોરવેલમાંથી કાઢવાની કોશિશ કરી હતી.
 
બાદમાં ફતેહવીરને બોરવેલમાંથી બહાર કાઢનારા ગુરવિંદરને બોલાવ્યા હતા. તેમણે ઋતિકને પણ બોરવેલમાંથી બહાર કાઢ્યો હતો.
 
ગુરવિંદરે દાવો કર્યો હતો કે તેમણે અગાઉ જ કહ્યું હતું કે "મને પ્રયત્ન કરવા દો, પણ મને તક આપવામાં ન આવી. પછી જ્યારે એનડીઆરએફના બે પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે મને સમય આપ્યો."
 
જાણકારી પ્રમાણે, રવિવારે સવારે અંદાજે 11 વાગ્યે છ વર્ષનો બાળક ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલમાં ઓક્સિજન પહોંચાડવા માટે ઘટનાસ્થળે ઓક્સિજન સિલિન્ડર પણ મોકલાયો હતો.
 
જાણવા મળ્યું છે કે બાળકના પિતા એક મજૂર છે અને તેઓ 2004થી અહીં રહેતા હતા. પરિવાર ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લાનો વતની છે.