રાહુલ ગાંધી મોદી સમાજ મુદ્દેની ટીપ્પણી સંદર્ભે સુરતની કોર્ટમાં હાજર થયાં - rahul gandhi | Webdunia Gujarati
રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 10 ઑક્ટોબર 2019 (12:10 IST)

રાહુલ ગાંધી મોદી સમાજ મુદ્દેની ટીપ્પણી સંદર્ભે સુરતની કોર્ટમાં હાજર થયાં

મોદી સમાજ અંગે ટિપ્પણી સંદર્ભે માનહાનિ કેસમાં રાહુલ ગાંધી આજે સુરતની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં હાજર રહ્યા હતા. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાના હોવાથી મોટી સંખ્યામાં લોકો કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. દરમિયાન કોર્ટમાં રાહુલ ગાંધીને ગુનો કબૂલ હોવા અંગે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં ગુનો કબૂલ ન હોવાનું જણાવ્યું હતું. જેથી કોર્ટ દ્વારા આ કેસમાં વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ હાથ ધરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેંગ્લોરથી 100 કિમી દુર તા. 13મી એપ્રિલ, 2019ના રોજ રેલીમાં કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ એક રીતે પીએમ નરેન્દ્ર મોદીની સરખામણી નીરવ મોદી, મેહલ ચોકસી, લલીત મોદી અને વિજય માલ્યા સાથે કરી હતી. રાહુલે જનમેદનીને પૂછ્યું હતુ કે, બધાં જ ચોરોના ઉપનામ મોદી કેમ હોય છે? ઉપરાંત રાફેલ સોદા મામલે નરેન્દ્ર મોદીએ 30 હજાર કરોડ પોતાના દોસ્ત અનીલ અંબાણીને આપ્યા છે. આ ટિપ્પણી મામલે સુરત કોર્ટમાં એડ. હસમુખ લાલવાલા, માયા વોરા અને શૈલેષ પવાર મારફત ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ફરિયાદ કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને હત્યા કેસના આરોપી કહેવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો કેસ દાખલ થયો હતો. જેમી મુદ્દત આવતીકાલે 11 ઓક્ટોબરે હોવાથી રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થશે. માનહાનિના કેસમાં રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હતા. આ કેસ એક રીતે સમન્સ ટ્રાયેબલ છે અને તેમાં બે વર્ષની સજાની જોગવાઈ છે. આમાં ટેકનિકલી એક રીતે ચાર્જફ્રેમનો જ સ્ટેજ આવી જાય છે. એડવોકેટ કિરિટ પાનવાલા કહે છે કે, વોરન્ટ ટ્રાયેબલ કેસ હોય તો પુરાવા લેવાયા પછી ચાર્જફ્રેમ થતું હોય છે. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થયા હોવાથી મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ કોર્ટ ખાતે ઉમટી પડ્યા હતા. જોકે, પોલીસે અંદર પ્રવેશ ન આપતા હોબાળો સર્જાયો હતો.