રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2019 (15:30 IST)

રાહુલ ગાંધી સુરતની કોર્ટમાં હાજર થવાના છે એ ગુનાહિત માનહાનિનો કેસ શું છે?

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરુવારે સુરતની કોર્ટમાં ગુનાહિત માનહાનિના એક કેસમાં હાજર થવાના છે. રાહુલ ગાંધી સામે કથિત રીતે 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે' એવું નિવેદન આપવાના મામલે ફરિયાદ કરવામાં આવી છે.
રાહુલ ગાંધી સુરત આવવાના હોવાથી ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ મંગળવારે પક્ષના સ્થાનિક કાર્યકરો સાથે બેઠક કરી હતી.
તેમણે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી 10 ઑક્ટોબરના રોજ સુરતની કોર્ટમાં હાજર થશે.
ચાવડાએ કહ્યું કે રાહુલ ગાંધીનું સુરતમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને ઍરપૉર્ટથી કોર્ટ સુધી તેમની સાથે કૉંગ્રેસના કાર્યકરો હશે.
રફાલની ફાઇટર જેટની એ ખાસિયતો જે તેને ખાસ બનાવે છે.
 
શું છે રાહુલ ગાંધી પરનો કેસ?
ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને સ્વીકારતા ચીફ જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ બી. એચ. કાપડિયાએ રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યું હતું.
સુરત પશ્ચિમના ધારાસભ્યે કરેલી ફરિયાદમાં તેમણે રાહુલ ગાંધી પર આરોપ મૂકતા કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ હોય છે' આવું નિવેદન આપીને તેમણે સમગ્ર મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.
2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર માટે કર્ણાટકના કોલારમાં રાહુલ ગાંધીની એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં રાહુલ ગાંધીએ કથિત રીતે કહ્યું હતું કે 'નિરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, દરેકને મોદી અટક કેમ છે, દરેક ચોરની મોદી અટક કેમ હોય છે.'
આ નિવેદન બાદ ભાજપના ધારાસભ્યે રાહુલ ગાંધી સામે ફરિયાદ કરતા કહ્યું હતું કે રાહુલે મોદી જ્ઞાતિનું અપમાન કર્યું છે.
રાહુલ ગાંધીના આ નિવેદન પર વિવાદ થયો હતો અને ભાજપ તરફથી તેની સામે તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી હતી.
 
રાહુલ ગાંધી સામે માનહાનિના અન્ય કેસ
આ કેસમાં જુલાઈમાં થયેલી સુનાવણીમાં કોર્ટે રાહુલ ગાંધીને વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી મુક્તિ આપી હતી.
જે બાદ આગળની સુનાવણી માટે 10 ઑક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી પર અન્ય બે માનહાનિના કેસ પણ થયેલા છે અને તેની કાર્યવાહી ચાલી રહી છે.
અમદાવાદમાં ચાલી રહેલા એક કેસમાં રાહુલ ગાંધી પર આરોપ છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને તેમણે ખૂનના આરોપી ગણાવ્યા હતા.
રાહુલ ગાંધી પર બીજો માનહાનિનો કેસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કો-ઑપરેટિવ બૅન્ક તથા તેના વડા અને ચૅરમૅન અજય પટેલ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.
કૉંગ્રેસના તત્કાલીન અધ્યક્ષ રાહુલ ગાંધી તથા કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આરોપ મૂક્યો હતો કે નોટબંધી જાહેર થઈ, તેના પાંચ દિવસની અંદર એડીસી બૅન્કમાં રૂ. 745.59 કરોડની જૂની નોટો બદલવામાં આવી હતી.
એડીસી બૅન્કે તેની સામેના આરોપોને નકાર્યા હતા અને તમામ વ્યવહારોમાં પારદર્શકતા જાળવવામાં આવી હોવાની વાત કહી હતી.