સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : શનિવાર, 13 જુલાઈ 2024 (16:01 IST)

દિવંગત કૅપ્ટન અશુમાનનાં માતપિતાએ આર્મીના આ નિયમ પર સવાલ કેમ ઉઠાવ્યા?

smriti singh
દિવંગત કૅપ્ટન અશુમાનના પિતાએ પોતાના પુત્રને મરણોપરાંત કીર્તિચક્ર અપાયા બાદ ભારતીય સૈન્યની 'નિકટતમ પરિજન નીતિ'(એનઓકે)માં સંશોધનની માગ કરી છે.
 
આ નીતિ અંતર્ગત સૈન્યકર્મીના મૃત્યુ પર પરિવારજનોને નાણાકીય સહાય અને સન્માન આપવામાં આવે છે.
 
કીર્તિચક્ર એ વીરતા માટે આપવામાં આવતા પુરસ્કારોમાં બીજી સર્વોચ્ચ શ્રેણીનો પુરસ્કાર છે.
 
ગત વર્ષે જુલાઈમાં સિયાચીનમાં પોતાના સાથીઓને બચાવતા કૅપ્ટન અંશુમાનનું મૃત્યુ થઈ ગયું હતું. કૅપ્ટનનાં સાહસ અને વીરતા માટે એમને મરણોપરાંત કીર્તિચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
 
5 જુલાઈએ રાષ્ટ્રપતિભવનમાં તેમનાં માતા મંજુસિંહ અને પત્ની સ્મૃતિએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ પાસેથી આ પુરસ્કાર સ્વીકાર્યો હતો.
 
જોકે, હવે કૅપ્ટન અંશુમાનસિંહનાં માતાપિતા ઇચ્છે છે કે એનઓકે નીતિમાં ફેરફાર કરવામાં આવે, જેથી સૈનિકના મૃત્યુ પર નાણાકીય સહાય અને સન્માન માટે માત્ર પત્ની જ નહીં, બાકીના પરિવારજનો પણ લાયક ઠરે.
 
કૅપ્ટન અંશુમાનના પરિવારનું શું કહેવું છે?
 
મીડિયા સાથેની વાતચીતમાં કૅપ્ટન અંશુમાનના પિતા રવિપ્રતાપસિંહે જણાવ્યું, "અમને દુઃખ છે કે અમે કીર્તિચક્રને અમારા ઘરે ના લાવી શક્યા." અંશુમાનના પિતા પણ સેનાનિવૃત્ત છે.
 
તેમણે કહ્યું કે કીર્તિચક્રને તેમનાં પુત્રવધૂ સ્મૃતિએ પોતાની પાસે રાખ્યું છે અને તેઓ એમને બરોબર જોઈ પણ નથી શક્યા.
 
રવીપ્રતાપસિંહે એનઓકેમાં ફેરફારની માગ કરતાં કહ્યું કે "એક એવો વ્યાપક અને સર્વમાન્ય નિયમ બનાવવો જોઈએ જે બન્ને પરિવારને પ્રતિકૂળ અને અનુકૂળ સ્થિતિમાં સર્વમાન્ય હોય. કોઈના અધિકાર કે ફરજનું હનન ના થવું જોઈએ."
 
તેમણે ઉમેર્યું, "એનઓકે સિસ્ટમમાં રચનાત્મક પરિવર્તનની જરૂર છે."
 
કૅપ્ટન અંશુમાનસિંહના પિતાએ આ નીતિમાં ફેરફાર માટે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને લોકસભામાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી સાથે વાતચીત કરી છે.
 
જોકે, પરિવારજનોનું કહેવું છે કે તેમનાં વધૂ સ્મૃતિ પોતાના અધિકાર કરતાં વધારે કંઈ લઈને નથી ગયાં અને તેઓ આ અધિકારને બદલવાની માગ કરી રહ્યા છે.
 
એનઓકે શું છે?
 
નિકટતમ પરિવારજન કે 'નેક્સ્ટ ઑફ કિન' એટલે કોઈ વ્યક્તિનાં પતિ/પત્ની, નિકટતમ સંબંધી, પરિવારના સભ્ય કે કાયદાકીય વાલી.
 
બીબીસી સાથેની વાતચીતમાં લેફ્ટનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) નીતિન કોહલી જણાવે છે કે તમામ સર્વિસ પર્સનને સર્વિસ દરમિયાન પોતાના નિકટતમ પરિવારજન એટલે કે એનઓકે જાહેર કરવા પડે છે.
 
તેઓ કહે છે, "એનઓકેને સરકાર કે સૈન્ય નક્કી નથી કરતાં. એ વ્યક્તિએ જાતે જ કરવું પડે છે. જો કોઈનાં લગ્ન ના થયાં હોય તો તેમનાં માતાપિતાની નિકટતમ પરિવારજન તરીકે નોંધણી કરવામાં આવે છે. લગ્નની સ્થિતિમાં આ બદલીને જીવનસાથી બની જાય છે."
 
નીતિન કોહલી જણાવે છે કે જો સૈન્યકર્મી પાસે યોગ્ય કારણ હોય તો એ પોતાના એનઓકે બદલી શકે છે. જોકે, આવું બહુ ઓછું થતું હોય છે.
 
સેનાનિવૃત્ત અન્ય એક લેફ્ટનન્ટ જનરલ બીબીસી સાથેની વાતચી તમાં કહે છે કે સૈન્યકર્મી પોતાની મરજી અનુસાર એનઓકે નક્કી કરે છે.
 
તેઓ કહે છે, "સેનામાં વ્યક્તિએ પાર્ટ-2 ઑર્ડર ભરવો પડે છે અને એ બાદ જ એમનાં લગ્ન રેકૉર્ડ પર આવે છે. આ ફૉર્મમાં તેણે ભરવું પડે છે કે એનાં લગ્ન ક્યારે, ક્યાં અને કોની સાથે થયાં છે. આ માટે કેટલાક દસ્તાવેજોની જરૂર પડે છે."
 
નામ ના લખવાના અનુરોધ પર આ સેવાનિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ જણાવે છે, "પાર્ટ-2 ભરતી વખતે તેઓ નિકટતમ પરિવારજ (એનઓકે)ની જાણકારી ભરે છે. આવું કરતી વખતે એની પાસે બે વિકલ્પો હોય છે. તેઓ પોતાના જીવનસાથીની સાથોસાથ માતાપિતાને પણ એનઓકેમાં સામેલ કરી શકે છે."
 
તેઓ જણાવે છે, "ઘણા નવા લોકોને એનઓકેની જાણકારી નથી હોતી. આવી સ્થિતિમાં યુનિટના સભ્યો એને જાણકારી આપતા હોય છે કે એનઓકેમાં કોને-કોને ભરી શકાય."
 
તેઓ એવું પણ જણાવે છે, "જો કોઈ મહિલા બીજાં લગ્ન કરી લે તો એ કીર્તિચક્ર માતાપિતા પાસે ચાલ્યું જાય."
 
તેઓ એવું પણ કહે છે કે આ પહેલીવાર નથી થયું કે જ્યારે કોઈ સૈનિકના પરિવારે સંબંધિત નીતિમાં ફેરફાર કરવાની માગ કરી હોય. કારગિલ યુદ્ધ બાદ આ પ્રકારના કેટલાય કેસ સામે આવ્યા હતા.
 
તો રિટાયર્ડ મેજર નજરલ જી.ડી. બક્ષી કહે છે કે સર્વિસ દરમિયાન કોઈ પણ જવાન એડજુટેન્ટ જનરલ બ્રાન્ચ થકી પોતાનું વિલ બનાવી શકે છે, જેમાં તે નક્કી કરી શકે છે કે તેના બાદ તેની સંપત્તિ કયા આધાર પર વહેંચવામાં આવે.
 
રાજ્યસ્તરે નીતિમાં ફેરફાર
 
સર્વિસ દરમિયાન જીવ જવાના કેસમાં મોટા ભાગે રાજ્ય સરકાર પણ આર્થિક મદદ કરે છે. આ પ્રકારના મામલાને જોતાં કેટલીય રાજ્ય સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર કર્યા છે.
 
મધ્ય પ્રદેશ સરકારે હાલમાં જ આ અંગે એક નિર્ણય લીધો હતો. એ અંતર્ગત જો કોઈ સુરક્ષાકર્મી 'શહીદ' થાય તો રાજ્ય સરકાર તરફથી મળનારી આર્થિક મદદ પત્ની અને માતાપિતા વચ્ચે વહેંચવામાં આવશે.
 
તો ઉત્તર પ્રદેશમાં વર્ષ 2020માં નિર્ણય લેવાયો હતો કે જો રાજ્યનો કોઈ સૈન્યકર્મી 'શહીદ' થાય તો એને 25 લાખ રૂપિયાની જગ્યાએ 50 લાખ રૂપિયાની અનુગ્રહ રકમ આપવામાં આવશે.
 
નિર્ણય અનુસાર 50 લાખ રૂપિયામાંથી 35 લાખ રૂપિયા પત્ની અને 15 લાખ રૂપિયા 'શહીદ'નાં માતાપિતાને આપવામાં આવશે.
 
કૅપ્ટન અંશુમાનસિંહના પિતાનું પણ કહેવું છે કે તેમને આ નિયમ અંતર્ગત 15 લાખ રૂપિયા રાજ્ય સરકાર પાસેથી મળ્યા છે.
 
આ ઉપરાંત હરિયાણા સરકારે પણ વર્ષ 2017માં પત્નીને મળનારી 100 ટકા અનુગ્રહ રાશીમાં ફેરફાર કર્યો હતો. હવે 30 ટકા રકમ 'શહીદ'નાં માતાપિતા અને 70 ટકા રાશી પત્ની અને બાળકોને આપવામાં આવે છે.
 
કૅપ્ટન અંશુમાનસિંહનાં લગ્ન
 
19 જુલાઈ 2023ની સવારે સિયાચીન ગ્લેશિયરમાં ભારતીય સૈન્યના કેટલાય ટૅન્ટમાં આગ લાગી હતી. આ આગમાં કેટલાય જવાન ફસાઈ ગયા હતા.
 
પોતાનની જીવની દરકાર કર્યા વગર કૅપ્ટન અંશુમાનસિંહ પોતાના સાથીઓને બચાવવા માટે આગળ આવ્યા. આ દરમિયાન તેમણે પાંચ જવાનોને સુરક્ષિત બહાર કાઢ્યા પણ પોતે ખરાબ રીતે દાજી ગયા અને તેમને બચાવી ના શકાયા.
 
તેમનાં લગ્ન આ દુર્ઘટનાના પાચ મહિના પહેલાં 10 ફેબ્રુઆરીએ સ્મૃતિ સાથે થયાં હતાં, જેઓ વ્યવસાયે એન્જિનિયર છે.
 
સ્મૃતિ અનુસાર તેમની મુલાકાત અંશુમાન સાથે એન્જિનિયરિંગ કૉલેજમાં થઈ હતી. એ બાદ અંશુમાને પૂણેની આર્મ્ડ ફૉર્સ મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.
 
અહીંથી મેડિકલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સૈન્યની મેડિકલ કોર જોઇન કરી હતી. સ્મૃતિ જણાવે છે કે એક વખત તેમના જન્મદિને શુભેચ્છા આપવા માટે અંશુમાન ગુરદાસપુર આવી ગયા હતા.
 
અંશુમાનને યાદ કરતાં સ્મૃતિ જણાવે છે, "અમે કૉલેજમાં પ્રથમ દિવસે મળ્યાં હતાં. હું ડ્રામેટિક બનવા નથી માગતી પણ એ પ્રથમ નજરનો પ્રેમ હતો... એક મહિનાની મુલાકાત બાદ આઠ વર્ષ સુધી અમે લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહ્યાં. એ બાદ અમે લગ્ન કરવાનો નિર્ણય લીધો. દુર્ભાગ્યની વાત એ છે કે અમારાં લગ્નના બે મહિનાની અંદર જ તેમનુ પોસ્ટિંગ સિયાચીનમાં થઈ ગયું."
 
સ્મૃતિ જણાવે છે, "તેઓ મને કહેતા હતા કે હું સામાન્ય મૃત્યુ નહીં મરું કે કોઈ યાદ પણ ના રાખે. મારી છાતિમાં પિત્તળ લઈને મરીશ અને લોકો યાદ રાખશે."