સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા મામલે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?  
                                       
                  
				  				  
				   
                  				  ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલામાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
				  										
							
																							
									  
	 
	સમાચાર સંસ્થા પીટીઆઈએ સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ ભેગી થયેલી ભીડનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. પીટીઆઈએ લખ્યું છે કે પથ્થરમારાના અહેવાલો બાદ પ્રદર્શન થયાં હતાં.
				  
	 
	સમાચાર એજન્સી એએનઆઈને સુરત પોલીસ કમીશનર અનુપમસિંહ ગેહલોતે આપેલી જાણકારી પ્રમાણે, રવિવારે રાત્રે સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલમાં પથ્થરામારાની ઘટના ઘટી હતી.
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગણેશ પંડાલ પર રવિવારે રાતે લગભગ 9 વાગ્યા આસપાસ કેટલાંક બાળકોએ પથ્થરમારો કર્યો હતો. જોકે, સ્થળ પર તહેનાત પોલીસે બાળકોને તરત જ ત્યાંથી હટાવી લીધા. ત્યાર બાદ લોકોનું ટોળું ભેગું જેમની સાથે પોલીસની વાતચીત થઈ હતી.
				  																		
											
									  
	 
	તેમણે કહ્યું કે બંને તરફથી પથ્થરમારો થયો એ દરમિયાન પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. ત્યાર બાદ તાત્કાલિક પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ વિસ્તારમાં જરૂર પડી ત્યાં લાઠીચાર્જ અને ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યાં હતાં.
				  																	
									  
	 
	ગેહલોતે ઉમેર્યું હતું, "કૉમ્બિંગ ઑપરેશન ચાલુ છે. અમારા સેન્ટ્રલ રૂમ અને વિસ્તારના સીસીટીવી કૅમેરામાંથી ફુટેજની તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત જેટલા પણ આરોપી છે જેને શાંતિનો ભંગ કરવાનો પ્રયત્ન કર્યો તેમની ધરપકડ કરવાની કામગીરી ચાલુ છે."
				  																	
									  
	 
	તેમણે કહ્યું કે આ બનાવ રાતના આઠ-સાડા આઠનો છે.
	
				  																	
									  
	 
	આ ઘટના અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સમાચાર એજન્સી એએનઆઈને નિવેદન આપ્યું હતું.
				  																	
									  
	 
	તેમણે આ મામલે ત્રણ ટ્વીટ કર્યાં હતાં. સવારે 4.20 વાગ્યે ટ્વીટ કરીને કહ્યું હતું કે, "શહેરમાં સૂર્યોદયની પહેલાં બધા આરોપીની ધરપકડ કરી લેવામાં આવશે. વીડિયો ડ્રોન વિજુઅલ્સની મદદથી મોટા પાયે કોમ્બિંગ ઑપરેશન ચલાવવામાં આવ્યું છે. કોમ્બિંગ ચાલુ રહશે."
				  																	
									  
	 
	પછી તેમણે એક વીડિયો ઍક્સ પર પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ સવારે ગણેશ પંડાલમાં જઈને પૂજા કરતા જોઈ શકાય છે. તેમણે લખ્યું કે, "સુરત પોલીસ ટીમ અને ગણેશ પંડાલના આયોજકો સાથે મેં ગણેશ પંડાલમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ગણેશજીની આરતી અને પૂજા કરી."
				  																	
									  
	 
	ત્યાર બાદ તેમણે એક ટ્વીટ કરીને કહ્યું હતું, "સૈયદપુરા વિસ્તારમાં આવેલા ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં છ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત આ છ લોકોને ભડકાવનાર 27 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. વીડિયો અને ડ્રોન ફુટેજની મદદથી કૉમ્બિંગ ઑપરેશન ચાલી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાને ભંગ કરનાર એક પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. કોઈપણ પ્રકારના ખોટા મેસેજથી સાવચેત રહેવું. હું અને મારી સુરત પોલીસની ટીમ ઘટના સ્થળ પર છીએ."