ભારતના 15 મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, બે વખતના સાંસદ અને રાજ્યપાલ રહી ચુક્યા, જાણો તેમના વિશે
ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન ચૂંટાયા છે. તેમને ૪૫2 મત મળ્યા છે. આ સાથે, સીપી રાધાકૃષ્ણન ભારતના 15 મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 67 વર્ષીય રાધાકૃષ્ણન, જે હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે, હવે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે.
17 વર્ષની ઉંમરે RSS માં જોડાયા
સીપી રાધાકૃષ્ણનનો જન્મ તમિલનાડુના તિરુપ્પુર જિલ્લામાં થયો હતો. તેઓ 17 વર્ષની ઉંમરથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા છે. ભાજપ સાથે તેમનો લાંબો પ્રવાસ રહ્યો છે. તેમની રાજકીય સફર 1998 માં શરૂ થઈ હતી, જ્યારે તેઓ કોઈમ્બતુરથી લોકસભા માટે ચૂંટાયા હતા.
તેઓ સતત બે વાર સાંસદ હતા
અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન, તેઓ 1998 અને 1999 ની સામાન્ય ચૂંટણીઓમાં સતત બે વાર સાંસદ બન્યા હતા. 1998 ની જીત ખાસ હતી કારણ કે તે કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટ પછી થઈ હતી અને ભાજપને તમિલનાડુમાં પહેલીવાર ત્રણ બેઠકો મળી હતી. તેઓ 2004-2007 સુધી તમિલનાડુ ભાજપના રાજ્ય પ્રમુખ હતા.
તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય પણ હતા
તેઓ 2014 અને 2019 ની લોકસભા ચૂંટણીમાં કોઈમ્બતુરથી ભાજપના ઉમેદવાર હતા, જ્યાં 2014 માં તેઓ 3.89 લાખથી વધુ મત મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. 2016 થી 2020 સુધી, તેઓ કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળના કોઈર બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે પણ સક્રિય હતા.
ઝારખંડ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ રહ્યા
વર્ષ 2023 માં, કેન્દ્ર સરકારે તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા, જ્યાં તેમણે આદિવાસી સમુદાયોના સશક્તિકરણ પર ભાર મૂક્યો. ફેબ્રુઆરી 2024માં, તેઓ મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ બન્યા, જ્યાં તેમણે રાજ્ય સરકાર સાથે સહકારી વલણ અપનાવ્યું. વિરોધ પક્ષો સાથેના તેમના સંબંધો પણ સારા માનવામાં આવે છે.