NDA ઉમેદવાર સીપી રાધાકૃષ્ણન આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે
ગઈકાલે મલ્લિકાર્જુન ખડગેએ પણ INDIA બ્લોકમાંથી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું. ભૂતપૂર્વ ન્યાયાધીશ બી. સુદર્શન રેડ્ડીને INDIAમાંથી નામ આપવામાં આવ્યું છે. જ્યારે NDAએ CP રાધાકૃષ્ણનને પોતાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. તેઓ આજે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે.
પીએમ મોદી પ્રથમ સેટના પ્રસ્તાવક તરીકે સહી કરશે
રાધાકૃષ્ણન દ્વારા કુલ ચાર સેટના નોમિનેશન દાખલ કરવામાં આવશે. દરેક સેટ પર 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સાંસદોના હસ્તાક્ષર હશે. એક સેટ પર પ્રથમ પ્રસ્તાવક તરીકે પ્રધાનમંત્રીના હસ્તાક્ષર હશે. આવા ત્રણ સેટ દાખલ કરવામાં આવશે, જેમાં કેન્દ્રીય મંત્રીઓ અને NDA સાંસદોના હસ્તાક્ષર હશે.
સુદર્શન રેડ્ડી કોણ છે?
આ દરમિયાન, ઇન્ડિયા એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદ માટે બી. સુદર્શન રેડ્ડીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે વિપક્ષી પક્ષોના નેતાઓની એક બેઠક યોજાઈ હતી જેમાં બી. સુદર્શન રેડ્ડીનું નામ મંજૂર કરવામાં આવ્યું હતું. બી. સુદર્શન રેડ્ડી તેલંગાણાના છે. તેઓ આંધ્રપ્રદેશ હાઇકોર્ટના ન્યાયાધીશ અને ગુવાહાટી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેઓ 2011 માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. બી સુદર્શન રેડ્ડી તેલંગાણામાં કોંગ્રેસ સરકારે જાતિ સર્વેક્ષણના ડેટાનું વિશ્લેષણ કરવા માટે બનાવેલી સમિતિના અધ્યક્ષ હતા.