ગરબાની વિસરાઈ રહેલી પ્રથાઓ

પારૂલ ચૌધરી|

P.R
ગરબો ગુજરાતની આગવી પરંપરા છે. વર્ષોથી ચાલ્યો આવતો આ તહેવાર ન જાણે કેટ કેટલા પ્રકારના અલગ અલગ સ્વરૂપોમાંથી પસાર થઈને અત્યારે આધુનિકતાની આરે આવીને ઉભો રહ્યો છે. ગામની અંદર ચાર મહિલાઓ દ્વારા શરૂ કરાયેલ ગરબાએ આજે આખી દુનિયામાં એક અલગ જ છાપ ઉભી કરી છે. ગરબાના પહેલાના અમુક રિવાજો વિશે તો કદાચ આજના યુવાનો અજાણ જ હશે કે આની શરૂઆત કેવી રીતે થઈ? પહેલા કેવી રીતે રમાતા હતાં માતાજીના ગરબા ? તો આવો તેના વિશે તમને થોડુક જણાવીએ...

પહેલાના સમયમાં ઘરમાં પ્રથમ બાળકનો જન્મ થાય કે ઘરમાં દિકરાના લગ્ન થયા હોય તો ગરબાની માનતા રાખવામાં આવતી હતી. ત્યારે ગામડાની અંદર મહોલ્લાની અને શેરીની બધી જ સ્ત્રીઓ ભેગી થઈને ઘર આંગણે માટલીની સ્થાપના કરીને તેની પૂજા કરી માતાજીની આરાધના કરતી હતી. ગામડાઓમાં તો અમુક અમુક જગ્યાએ આ પ્રથા આજે પણ જોવા મળે છે પરંતુ શહેરોમાં તો આ પ્રથા સમય જતાંની સાથે અદ્રશ્ય થઈ ગઈ છે.
P.R
આ ઉપરાંત મંદિરોમાં પણ ગરબાને માથે લઈને સ્ત્રીઓ માંડવીની આસપાસ ગરબા રમતી હતી. આ ગરબા માટે તેઓ કાણાવાળી માટલી લઈને તેમાં દિવડો પ્રગટાવીને તેને માથે ઉપાડીને ગરબે રમે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ તો ફૂલોના, દિવડાઓના વગેરે જેવા મોટા મોટા ગરબાઓ લઈને માથે લઈને સ્ત્રીઓ ગરબે રમે છે. ઘણાં ગામડાઓમાં તો એવો પણ રિવાજ હોય છે કે સ્ત્રીઓ ગરબે નથી રમી શકતી. માત્ર પુરૂષો અને બાળકો જ રમી શકે છે.
ગામડાઓમાં પહેલાં નાની નાની બાળકીઓ માટલીમાં દિવો પ્રગટાવીને સાંજે દરેકને ઘરે જઈને દિવા માટે ઘી ઉઘરાવતી હતી. આ સિવાય ગલી અને મહોલ્લામાં જ્યાં પણ ગરબા માટે માતાજીનું સ્થાપન કરવામાં આવતું હતું ત્યાં બાળકો પાવાગઢ અને ગબ્બર બનાવતાં હતાં અને તેમાં જાતજાતના રમકડાં અને શો પીસ ગોઠવતાં હતાં. તેની ફરતે સુંદર લાઈટિંગ અને દિવાઓ પણ કરતાં હતાં. અને તેની આજુબાજુ બધા ગરબે રમતાં હતાં. પરંતુ આ બધી જ પ્રથા આજે ધીરે ધીરે વિસરાઈ રહી છે અને તેની જગ્યાએ આધુનિક ગરબા લઈ લીધી છે.


આ પણ વાંચો :