દાંડિયા-રાસમાંથી 'દાંડિયા' ગાયબ અને ગરબામાથી 'ગરબા' ગાયબ

dandiya
Last Modified બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (12:58 IST)

રપમીથી શરૃ થઈ રહેલા આદ્યશક્તિના આરાધનાના મહાપર્વ નવરાત્રિને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને યુવાહૈયું નવરાત્રિ પર્વમાં ગરબે ઘૂમવા આતુરતાથી રાહ જોઈ રહ્યું છે. નવરાત્રિમાં 'રાસગરબા'નો ક્રેઝ વધ્યો છે પણ ખેલૈયાઓના હાથમાં 'દાંડિયા' હવે ગોત્યે મળતા નથી. આવી જ પરિસ્થિતિ તબલા-ઢોલક, હાર્મોનિયમ જેવા પરંપરાગત વાજીંત્રમાં જોવા મળી રહી છે. જો કે, ઈલેક્ટ્રોનીક સાઉન્ડ સિસ્ટમના જમાનામાં પણ આખ્યાન, ભવાઈ, રામદરબાર જેવા ર્ધાિમક કાર્યક્રમોમાં વાજીંત્રનું વર્ચસ્વ ટકી રહ્યું છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરના પછતા વિસ્તારોમાં નવરાત્રિ દરમિયાન આજે પણ લોક ભાતિગર સંસ્કૂતિની ઝાંકી કરવાતા ભવાઈ નાટકની પરંપરા જળવાઈ રહી છે. જેને કારણે વાજીંત્રની બજારમાં રિપેરીંગ કામ પુરબહારમાં ખીલ્યું છે.

નવરાત્રિ આવે એટલે ખેલૈયાઓ રાસગરબામાં રમઝટ બોલાવવા માટે દાંડિયાની ખરીદી કરી તેને શણગારવાનું કામ શરૃ કરી દેતા હતા. પરંતુ સમયની સાથે રાસગરબામાં આધુનિકતાનો રંગ ઉમેરાતા હવે અર્વાચીન ગરબે ઘૂમતા યુવાનોના હાથમાં ભાગ્યે જ દાંડિયા જોવા મળે છે. જેની સિધી અસર દાંડિયાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓ પર પડયો છે. શહેરના સંઘેડિયા બજારમાં દુકાન ધરાવતા ભરતભાઈએ દાંડિયાનો ભવ્ય ભૂતકાળ વાગોળતા જણાવ્યું હતુ કે, એક સમય એવો હતો, જ્યારે નવરાત્રિને ખાસો સમય બાકી હોવા છતાં દાંડિયાની ખરીદી કરવા માટે સંઘેડિયા બજારમાં લોકોનો વધુ ઘસારો જોવા મળતા હતા. જેના કારણે સંઘેડિયા બજારમાં દાંડિયાની ૧પ થી ૧૭ દુકાનો હતી. તેમાં સાગના લાકડામાંથી દાંડિયા બનાવામાં આવતા હતા. પરંતુ સમય સાથે રાસગરબામાં દાંડિયાનું ચલણ ઘટતા આજે નોબત એવી આવી છે કે, ઘરાકીમાં પ૦ ટકા જેટલી ઘટ જોવા મળી છે. આ કારણથી જ દાંડિયા વેચતા કેટલાક વેપારીઓએ આ વ્યવસાય છોડી દીધો છે. હાલ સંઘેડિયા બજારમાં પ થી ૭ દુકાનોમાં જ દાંડિયાનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત વધતી જતી મોંઘવારીની આંશિક અસર દાંડિયામાં પણ જોવા મળી છે. હાલ રૃ.૧પ થી પ૦ સુધીની કિંમતના બાવળના લાકડામાંથી બનેલા લાલ, લીલા, પીળા કલરના દાંડિયા બજારમાં જોવા મળે છે. જો કે, આજે પણ નવરાત્રિમાં દાંડિયે રમનારો એક વર્ગ છે. તેમાં ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં અને શેરીઓમાં આયોજીત રાસગરબાના કાર્યક્રમોમાં દાંડિયા રમવાની પરંપરા જળવાઈ રહી છે. જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને રોજીરોટી મળી રહે છે.

દાંડિયા ઉપરાંત બહેનોમાં માથે બેડા લઈને રાસ લેવાની અનોખી છણાવટ હતી. એક સાથે પાંચ-પાંચ બેડા માથે લઈને બહેનો રાસગરબાની રમછટ બોલાવતી હતી. પરંતુ હાલના સમયમાં શણગાર અને દેખાદેખી પાછળ હજારો રૃપિયા ખર્ચી નાંખનાર ખેલૈયાઓમાં આવી પારંપરિક કળા જોવા મળતી નથી.

ઉપરાંત નવરાત્રિ આવે એટલે યુવાનો અર્વાચીન સ્ટેપો શીખવામાં મશગૂલ બની જાય છે. જ્યારે ગ્રામ્ય વિસ્તાર અને શહેરના પછાત વિસ્તારોમાં કલાકારો પરંપરાગત ભવાઈ નાટક ભજવવાની પ્રેક્ટીસમાં રાત-દિવસ તનતોડ મહેનત કરે છે. નવરાત્રિએ માતાજીના આરાધનાનું પર્વ છે ત્યારે કાન ફાડી નાંખે તેવા સાઉન્ડ સિસ્ટમના યુગમાં પણ તબલા, ઢોલક, કાસી જોડા, મંજીરા સહિતના પરંપરાગત વાજીંત્રનું વર્ચસ્વ યથાવત રહ્યું છે. જેના કારણે તબલા-ઢોલક, હાર્મોનિયમ જેવા પરંપરાગત વાજીંત્રોનું રિપેરીંગની સિઝન ખીલી ઉઠી છે.

શહેરના ડબગરવાડ ખાતે તબલા રિપેરીંગની દુકાન ચલાવતા કલ્પેશભાઈ પટેલે વાત કરતા જણાવ્યું હતુ કે, સાલ દર સાલ ઈલેક્ટ્રોક મ્યુઝિકના ઉપકરણોની ડિમાન્ડ વધતી જઈ રહી છે. અગાઉ નવરાત્રિમાં રાસગરબાના કાર્યક્રમ હોય કે પછી ભવાઈના નાટકો હોય તેમાં તબલા, ઢોલ, ઢોલક, નાલ, ખંજરી, મંજીરા, હાર્મોનિયમ સહિતના વાજીંત્રોનો ખાસા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. આજે કાન ફાડી નાંખે તેવી ડી.જે. સાઉન્ડ સિસ્ટમનો યુગ છે. છતા સાઉન્ડ સિસ્ટમના ઘોંઘાટ વચ્ચે પણ તબલાંની થપાટ અને મંજીરા, ઢોલક, હાર્મોનિયમની મીઠા સૂરોની સૂરાવલિનું મહત્વ આજે પણ યથાવત રહ્યું છે. તેમાં પણ શહેરના પછાત અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રાસગરબા સાથે લોકભાતિગર પરંપરાને પ્રર્દિશત કરતી ભવાઈના નાટકોની કલા આજે પણ જીવિત રહી છે. જેના કારણે નવરાત્રિ પૂર્વે લોકો તબલા, ઢોલ-ઢોલકનું રિપેરીંગ કામ કરાવતા હોય છે. આ ઉપરાંત મંજીરા, કાસી જોડા સહિતના વાજીંત્રની પણ ખરીદી થતી હોય છે. જો કે, અગાઉના સમય કરતા રિપેરીંગ કામ, વાજીંત્રોની ખરીદારી ઓછી રહે છે અને જે રિપેરીંગ કામ આવે છે તે મોટાભાગે જિલ્લાના તળાજા, પાલિતાણા, સિહોર, ભાલ, ગારિયાધાર, વલભીપુર, ઉમરાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતું હોય છે તેમ તેમણે અંતમાં ઉમેર્યું હતુ.
આ પણ વાંચો :