1. ગુજરાતી સમાચાર
  2. રમત
  3. ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024
Written By
Last Updated : ગુરુવાર, 6 જૂન 2024 (16:35 IST)

પેરિસ ઑલિમ્પિક: ભારત અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની તેયારી કરી રહ્યું છે

આ વખતે 26 જુલાઈથી 11 ઑગસ્ટ દરમિયાન વિશ્વના સૌથી મોટા ખેલ મહોત્સવ એટલે કે ઑલિમ્પિક ગેમ્સનું આયોજન પેરિસમાં થવા જઈ રહ્યું છે. ભારતીય ખેલાડીઓ હાલમાં આ ગેમ્સની તૈયારીને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે.
 
અત્યાર સુધીમાં પુરુષ હૉકી ટીમ સહિત 83 ભારતિય ખેલાડીઓએ આ ખેલમાં ભાગ લેવા માટે ક્વૉલિફાય થયા છે.
 
પરંતુ આ રમતો માટે ક્વૉલિફાઇંગ ટુર્નામેન્ટ 30 જૂન સુધી આયોજિત કરવામાં આવી રહી છે, તેથી ભાગ લેનારા ભારતીય ખેલાડીઓની સંખ્યામાં વધારો થવાનો છે.
 
પેરિસ ઉપરાંત ફાન્સનાં અન્ય 16 શહેરોમાં પણ આ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ગેમ્સમાં ભાગ લેનાર ખેલાડીઓની સંખ્યા 10,500 નક્કી કરવામાં આવી છે. જેમાં 32 રમતોની 329 ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે.
 
ચાર વર્ષ પહેલાં ટોકિયો ઑલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને એક ગોલ્ડ સહિત સાત મેડલ જીત્યા હતા. આ વખતે ભારત મેડલની સંખ્યાને બે આંકડામાં લઈ જવા ઈચ્છે છે.
 
ઑલિમ્પિકના નિયમો અનુસાર કુસ્તી અને શૂટિંગ સિવાય તમામ રમતોમાં ક્વોટા મળે છે, તેથી ભાગ લેનાર ખેલાડીઓનાં નામો છેલ્લી ક્ષણે બદલી શકાય છે.
 
નીરજ ચોપરા પાસે ફરી ગોલ્ડની આશા રહેશે
 
જેવલિન થ્રોઅર નીરજ ચોપરા ઍથ્લેટિક્સમાં ગોલ્ડ જીતનાર ભારતના પ્રથમ ખેલાડી બન્યા. તેઓ ફરી એક વાર ગોલ્ડ મેડલ જીતવાની તૈયારી કરી રહ્યા છે.
 
અત્યાર સુધીમાં નીરજ સહિત 12 પુરુષ અને સાત મહિલા ઍથ્લીટ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થયા છે.
 
પરંતુ આ ક્વૉલિફાઈંગ ખેલાડીઓમાં સામેલ લોંગ જમ્પર મુરલી શ્રીશંકરે ઇજાના કારણે ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.
 
નીરજ ચોપરાએ ઑલિમ્પિક્સ, વર્લ્ડ ચૅમ્પિયનશિપ અને એશિયન ગેમ્સ સહિત તમામ મોટી રમતોમાં સફળતા હાંસલ કરી છે.
 
હવે તેમનું એકમાત્ર લક્ષ્ય 90 મીટર થ્રોના અવરોધને પાર કરવાનું છે. તેઓ તેની નજીક આવી ગયા છે પરંતુ હજી સુધી તેને પાર કરી શક્યા નથી. તે પેરિસમાં આ ગોલ સાથે ગોલ્ડ જીતવાનો ઇરાદો ધરાવે છે.
 
કિશોર જેના પણ જીતના પોડિયમ પર ચડી શકે છે
ટીનેજર જેનાએ હોંગ ઝુ એશિયન ગેમ્સમાં 87.54 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીતીને સૌને ચોંકાવી દીધા હતા. તેઓ હમણાં જોરદાર તૈયારીઓ પણ કરી રહ્યા છે અને નીરજ સાથે મેડલ જીતવાના દાવેદાર છે.
 
જેનાના કોચ સમરજિતસિંહ માલ્હી કહે છે, "તેઓ પોતાની ટ્રેનિંગને લઈને ખૂબ જ ગંભીર છે. જો આપણે સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે જે સમય થાય છે તેને બાકાત રાખીએ તો માત્ર ત્રણ-ચાર દિવસ જ એવા હશે જ્યારે તેમણે પ્રેક્ટિસ નહીં કરી હોય."
 
જેના વિશે એવું કહેવાય છે કે તે ભુવનેશ્વર સ્પૉર્ટ્સ હૉસ્ટેલમાં વોલીબૉલ રમવા ફક્ત એટલા માટે જોડાયા હતા જેથી કરીને તેમને આર્મીમાં નોકરી મળી શકે.
 
આ સમય દરમિયાન, ઓડિશાના ભાલા ફેંકનાર લક્ષ્મણ બરાલે તેમને જોયા અને તેમના હાથની તાકાત જોઈને તેમને ભાલા ઉપાડવા માટે સમજાવ્યા અને આજે તે વિશ્વસ્તરીય ભાલા ફેંકનાર તરીકે આપણી સામે ઊભા છે.
 
સાબલેનો અન્ય ઍથ્લીટોમાં સમાવેશ થાય છે
અવિનાશ સાબલે અને પારુલ ચૌધરીએ પુરુષો અને મહિલાઓની 3000 મીટર સ્ટીપલ ચેઝ રેસ માટે ક્વૉલિફાય કર્યું છે.
 
સાબલેએ 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને પોતાની ઓળખ બનાવી હતી.
 
તે જ સમયે, પારુલ, જેઓ યુપીના છે, તે દેશનાં પ્રથમ મહિલા છે જેમણે આ ઇવેન્ટમાં નવ મિનિટથી ઓછો સમય ગાળ્યો છે.
 
ભારતીય પુરૂષો અને મહિલાઓની 4x400 મીટર રિલે ટીમો પણ પેરિસ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થઈ ગયા છે. પ્રિયંકા ગોસ્વામી અને આકાશદીપસિંહ, જેઓ મેરેથોનમાં ક્વૉલિફાય થયા છે, તેમની પાસેથી શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
 
સાત્ત્વિક-ચિરાગ ઇતિહાસ રચી શકે છે
સાત્ત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી સિવાય મેન્સ સિંગલ બૅડમિન્ટનમાં એચએસ પ્રણોય અને લક્ષ્ય સેન, મહિલા સિંગલ્સમાં પીવી સિંધુ અને મહિલા ડબલ્સમાં એની પોનપ્પા અને મનીષા ક્રાસ્ટો ક્વૉલિફાય થયા છે.
 
સાત્ત્વિક અને ચિરાગની જોડી હાલમાં વિશ્વની નંબર વન જોડી છે અને તેઓએ છેલ્લા દોઢ વર્ષમાં ઘણી સફળતા હાંસલ કરીને પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે.
 
ઑલિમ્પિકની વાત કરવામાં આવે તો ચીન અને ઇન્ડોનેશિયાની જોડીના પ્રદર્શનમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. પરંતુ એ વાત ચોક્કસ છે કે આ વખતે આ જોડી ચોક્કસ કોઈને કોઈ મેડલ સાથે વાપસી કરે તેવી આશા રાખી શકાય.
 
જ્યાં સુધી બે ઑલિમ્પિક ગેમ્સ મેડલ વિજેતા પીવી સિંધુ અને લક્ષ્ય સેન અને પ્રણયની વાત છે, તેઓ બધામાં મેડલ જીતવાની ક્ષમતા છે, જરૂર છે માત્ર આ ગેમ્સ સુધી સંપૂર્ણ ફોર્મમાં રમવાની.
 
નિકહતની આગેવાનીમાં ચાર બૉક્સર
બે વખતની વર્લ્ડ ચૅમ્પિયન નિખત ઝરીનનાં નેતૃત્વમાં અત્યાર સુધીમાં ચાર મહિલા બોક્સરે ક્વૉલિફાય કર્યું છે. હજુ સુધી કોઈ પુરુષ બોક્સર ક્વૉલિફાય થયા નથી. પુરૂષોના ઑલિમ્પિક ક્વૉલિફાયરનું આયોજન ટૂંક સમયમાં છે જેના પછી બૉક્સિંગ ટીમનું સાચું ચિત્ર બહાર આવશે.
 
નિખત ઉપરાંત, અન્ય બૉક્સરો કે જેમણે ક્વૉલિફાય કર્યું છે તેમાં બૅન્ટમવેઇટ કેટેગરીમાં પ્રીતિ પવાર, ફેધરવેઇટમાં પરવીન હુડા અને બૅલ્ટરવેઇટ કેટેગરીમાં લોવલિના બોર્ગેહાન છે.
 
લોવલિના ટોક્યો ઑલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા છે. એ વાત સાચી છે કે તેમણે ચાર વર્ષ પહેલા ટોક્યોમાં બેલ્ટરવેટ કૅટેગરીમાં આ મેડલ જીત્યો હતો અને આ વખતે તે મિડલવેટ વર્ગમાં ભાગ લેશે.
 
તમામ દેશવાસીઓ નિખત ઝરીન પાસેથી ગોલ્ડન પ્રદર્શનની અપેક્ષા રાખશે.
 
શૂટર્સનું સૌથી મોટું જૂથ
 
ભારત માટે અત્યાર સુધીમાં 20 શૂટરોએ ઑલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો છે. પલક ગુલિયાએ 10 મીટર ઍર પિસ્તોલમાં ભાગ લેવા માટે ક્વૉલિફાય કર્યું છે. આ રીતે ભારતે રાઇફલ અને પિસ્તોલ માટે તમામ 16 ક્વોટા સ્થાન મેળવવામાં સફળતા મેળવી છે.
 
ભારતે અત્યાર સુધીમાં શૉટગનમાં ચાર ક્વોટા સ્થાનો મેળવ્યા છે અને આ મહિનાના અંતમાં લોનાટોમાં યોજાનારી શૉટગન ક્વોલિફાયર્સમાં આ સંખ્યામાં વધુ વધારો કરી શકે છે.
 
ભારતીય શૂટર્સ આઈએસએસએફ વર્લ્ડ કપમાં સતત ભારતીય ધ્વજ લહેરાવી રહ્યા છે. પરંતુ ભારત છેલ્લી બે ઑલિમ્પિક ગેમ્સથી ખાલી હાથે પરત ફરી રહ્યું છે.
 
જો ભારતીય શૂટરો તેમની સંપૂર્ણ ક્ષમતા મુજબ પ્રદર્શન કરવામાં સફળ રહે છે, તો ભારત ઑલિમ્પિકમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.
 
પિસ્તોલ શૂટરોએ તાજેતરના સમયમાં તેમના પ્રદર્શનમાં ઘણો સુધારો દર્શાવ્યો છે, તેથી આ વખતે મનુ ભાકર અને ઇશા સિંઘ મેડલ સાથે વાપસી કરશે તેવી અપેક્ષા રાખી શકાય છે.
 
હૉકી ટીમ પણ મેડલની દાવેદાર છે
 
ભારતીય પુરૂષ હૉકી ટીમને ટોકિયો ઑલિમ્પિકમાં ચાર દાયકા પછી પોડિયમ પર ચઢવાનું સન્માન મળ્યું ત્યારથી, ભારતીય હૉકીએ સતત પ્રગતિ કરી છે અને સતત બીજી ઑલિમ્પિકમાં મેડલ સાથે પરત ફરવાની અપેક્ષા રાખી શકાય છે.
 
પૅરિસ ઑલિમ્પિકમાં ભારતને બૅલ્જિયમ, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, આર્જેન્ટિના અને આયર્લૅન્ડની સાથે પૂલ બીમાં રાખવામાં આવ્યું છે. ઑલિમ્પિક ફોર્મેટ મુજબ, ભારતે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાં માટે પૂલમાં પ્રથમ ચાર ટીમોમાં સ્થાન મેળવવું પડશે.
 
ભારતે તાજેતરના ભૂતકાળમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે જોતાં આમાં કોઈ મુશ્કેલી ન આવવી જોઈએ.
 
વાસ્તવમાં, તમે પૂલમાં જેટલા ઊંચા રહેશો, ક્વાર્ટર-ફાઈનલમાં તમારે એટલી જ નબળી ટીમનો સામનો કરવો પડશે. પરંતુ ઑલિમ્પિકમાં ભાગ લેનારી તમામ ટીમો સંપૂર્ણ તૈયારી સાથે આવે છે, તેથી કોઈ ટીમના પડકારને ઓછો આંકી શકાય નહીં.
 
વીનેશ ફોગાટ પર નજર રહેશે
 
વીનેશ ફોગાટ છેલ્લાં ઘણાં સમય સુધી કુસ્તી કરતાં આંદોલન કરવાં માટે હૅડલાઇન્સમાં જોવાં મળ્યાં. પરંતુ તે ગયા મહિને જ ઑલિમ્પિક માટે ક્વૉલિફાય થયાં છે.
 
વીનેશ ઉપરાંત, અત્યાર સુધી અન્ય ત્રણ મહિલા કુસ્તીબાજોએ ઑલિમ્પિકમાં ભાગ લેવાની પુષ્ટિ કરી છે - અખિલ પંખાલ, રિતિકા હુડા અને અંશુ મલિક.
 
વીનેશ ફોગાટ કૉમનવેલ્થ ગેમ્સ અને એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ છે.
 
તેમણે વિશ્વ ચૅમ્પિયનશિપમાં પણ એકથી વધુ મેડલ જીત્યાં છે. હવે તે ફક્ત ઑલિમ્પિક મેડલથી દૂર છે. આ વખતે તે આ અંતર પાર કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.
 
 
મીરાબાઈ ચનુના મેડલનો રંગ બદલાશે તેવી અપેક્ષા છે
મહિલા વેઈટલિફ્ટર મીરાબાઈ ચનુ ફરી એક વાર ઑલિમ્પિક મેડલ સાથે વાપસી કરવાનો પ્રયાસ કરશે. આ વખતે તે ચોક્કસપણે ટોકિયો ઑલિમ્પિકમાં જીતેલાં સિલ્વર મેડલનો રંગ બદલવાનો પ્રયાસ કરશે.
 
આ સિવાય ટેબલ ટેનિસમાં પ્રથમ વખત પુરુષ અને મહિલા ટીમો ક્વૉલિફાય થઈ છે. જેના કારણે બંને કેટેગરીમાં બે સિંગલ્સ ખેલાડીઓને પણ ભાગ લેવાની લાયકાત મળી છે.
 
આ સિવાય વિષ્ણુ સર્વનન અને નેત્રા કુમારન સેઇલિંગમાં, બલરાજ પવાર રૉઇંગમાં અને અનુષ અગ્રવાલાએ ઘોડેસવારી ડ્રેસેજ ઇવેન્ટમાં ક્વૉલિફાય કર્યું છે.