શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મંગળવાર, 4 સપ્ટેમ્બર 2018 (13:21 IST)

ગુજરાતની ભાજપ સરકારના આ મંત્રીએ હાર્દિકને સારવાર લેવાની સલાહ આપી

પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી માટે છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલની તબિયત વધુ લથડતાં સરકાર સફાળી જાગી હતી અને હાર્દિકને સારવાર લેવા માટે સલાહ આપી હતી. હાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનો આક્ષેપ કર્યો હતો. ગુજરાત સરકારના સિનિયર મંત્રી સૌરભ પટેલે આજે હાર્દિકના આંદોલન અંગે સૌપ્રથમ વખત સરકાર તરફથી નિવેદન કરતાં જણાવ્યું હતું કે હાર્દિકની તબિયતને લઈને સરકાર ચિંતિત છે. પાટીદાર સમાજને જાગૃત રહેવાની સલાહ આપી તેમણે હાર્દિકનું આંદોલન કોંગ્રેસના ઈશારે ચાલતું હોવાનો આક્ષેપ કર્યો હતો.

હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી આમરણાંત ઉપવાસી પર બેઠો છે પરંતુ આજદિન સુધી એક પણ મંત્રી કે ભાજપના ધારાસભ્યએ હાર્દિકના આંદોલન અંગ હરફસુધ્ધા ઉચ્ચાર્યો ન હતો. પરંતુ ગઈકાલથી વિવિધ પાટીદાર સંસ્થાઓ દ્વારા હાર્દિકના આંદોલનને સમર્થન આપીને મધ્યસ્થી બનવાની જાહેરાત કર્યાના 24 કલાકમાં જ મંત્રી સૌરભ પટેલે આજે એકાએક નિવેદન કર્યું હતું કે, હાર્દિક પટેલના ઉપવાસથી સરકાર પણ ચિંતિત છે. હાર્દિકે પણ તેની તબિયતનું ધ્યાન રાખી ડોક્ટર પાસે સારવાર લેવી જોઈએ. હાર્દિકની તબિયત અંગે સૌરભ પટેલે આપેલા નિવેદનને વખોડતા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમ અન કિરીટ પટેલે જણાવ્યું હતું કે, હાર્દિકના પટેલના આંદોલન અંગે સરકારને અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમછતાં સરકારે તેને ગંભીરતાથી લીધી નથી. હાર્દિકની તબિયત અંગે સરકારે સલાહ આપવાની જરૂર નથી. હાર્દિક ડોક્ટરની સલાહ માની રહ્યો છે. પરંતુ સરકારે તેની સલાહ માનવી જોઈએ.