શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: ગુરુવાર, 27 એપ્રિલ 2017 (13:23 IST)

આંદોલનકારીઓના પરિવાર પર કેસ કરી દબાવી દેવાનો પ્રયાસ થાય છે - હાર્દિક પટેલ

હાર્દિક પટેલ હાઈકોર્ટના આદેશ મુજબ ચૌદમાં ગુરૂવારે ક્રાઈમ બ્રાંન્ચ ઓફિસ પહોંચ્યો હતો. જ્યાં હાજરી પુરાવ્યા બાદ હાર્દિકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આંદોલનને દબાવવાના પ્રયાસો ગુજરાત સરકારે ભરપૂર કર્યા હતાં. પરંતુ તેમાં તેઓ નિષ્ફળ જતાં આંદોલનકારીઓને દબાવવા માટે હવે તેમના પરિવારના સભ્યો પર કેસ કરીને આંદોલન તોડવાના પ્રયાસો થઈ રહ્યાં છે.

હાર્દિક પટેલના પિતરાઈના લગ્ન વખતે થયેલા ફાયરિંગના ગુનામાં પોલીસ દ્વારા કેસ કરવામાં આવ્યાં છે. જેમાં હાર્દિકના પિતાથી લઈને કાકા સહિત મિત્રોને સકંજામાં લેવામાં આવ્યા છે. તે અંગે હાર્દિકે સુરતમાં જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલનને યેનકેન પ્રકારે દબાવવા માટે ગુજરાત સરકાર કેસ કરી રહી છે. દમનકારી નીતિના વિરોધમાં ભાવનગર અને માંડવીમાં જે લોકો સરકાર પાસે ન્યાય માંગવા આંદોલન કરતાં હશે તેમને પુરતો સપોર્ટ આપવામાં આવશે. હાર્દિકે નરેન્દ્ર મોદીના રોડ શો અને અમિત શાહ વિરુધ્ધ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ ભયમાં આવી ગયું હોય તે રીતે રોડ શો અને જાહેર સભાઓ કરવી પડે છે. આટલા વર્ષથી શાસનમાં છે. પરંતુ લોકોને ડરાવવા સિવાય કશું જ કર્યુ નથી. ત્યારે ચૂંટણીઓ નજીક આવતાં ભાજપે પ્રચાર કરવાની જરૂરીયાત ઉભી થઈ છે.