ગુજરાત રાજ્યમાં ભડકેલી અનામતની આગની જવાળાઓ
ગુજરાત રાજ્યમાં ભડકેલી અનામતની આગની જવાળાઓ લબકારા લઈ રહી છે. આ આગ ભારતીય જનતા પાર્ટીને દઝાડે તેવો ઘાટ સર્જાયો છે. અનામતની લબકારા લેતી આગને ઠારવા સંદર્ભે મુખ્યમંત્રી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મહત્વની કવાયત હાથ ધરવામાં આવી છે. તમામ ધારાસભ્યોની બોલાવેલી બેઠકમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણી અને ઉભી થયેલી અનામતની સ્થિતિને પહોંચી વળવા સુચના આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યાનુસાર મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ધારાસભ્યોની બેઠકમાં ધારાસભ્યોને સુચના આપી હતી કે રાજ્યના વિવિધ જિલ્લામાં ચાલતાં અનામત આંદોલનને ડામવા સરકારે શું પગલાં લેવા જોઈએ ? તે અંગે મંતવ્યો માંગ્યા હતાં અને આવા કોઈપણ નાના મોટા આંદોલન અને રેલીના સંદર્ભે સરકારને તુરંત જ રિપોર્ટ કરવા આદેશ આપ્યા હતાં.
આગામી દિવસોમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં પણ આ અનામત આંદોલનના ઘેરા પ્રત્યાઘાતો રોકી શકાય તેમ ન લાગતાં સ્થાનિક આગેવાનો સાથે પરામર્શ કરીને આવા આંદોલન, રેલીને રોકવાના પ્રયાસ કરવાના આદેશો આપ્યા છે.
આવા આંદોલનકારીઓને શામ, દામ, દંડ અને ભેદની નીતિ અખત્યાર કરવા સુધીના આદેશો આપી દીધા છે. મુખ્યમંત્રીએ સ્થાનિક કક્ષાએથી જ પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા માટે કામે લાગી જવાના આદેશ આપ્યા છે.
ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં સક્રિય થવાના આદેશ બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલા ભોજન સમારોહ બાદ અનામતના મુદ્દે દરેક જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને કોર કમિટીની બેઠકમાં મંત્રીઓ આનંદીબેન પટેલ સમક્ષ હાજર થયા હતાં અને દરેક જિલ્લાનો ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.