પાટીદારો આંદોલન સમેટી લે તો તમામને છોડી મૂકવાનો તખ્તો તૈયાર
અનામતની માંગ સાથે આંદોલન પર ઉતરેલા પાટીદારો અને સરકાર વચ્ચે સમાધાન માટે પાટીદાર નેતાઓ સરકાર અને બન્ને વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા વચ્ચે યુદ્ધના ધોરણે બેઠકોનો દોર ચાલ્યો છે. છેલ્લા બે દિવસથી સઘન બનેલા પ્રયાસો બાદ ગઇકાલે જેલમાં રહેલા હાર્દિક પટેલ સાથે વિચારવિમર્શ કર્યા બાદ મુખ્યમંત્રી સાથે સમાધાનની આખરી ફોર્મ્યુલા નિશ્ચિત કરવા બેઠક યોજાશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 15 દિવસોથી પાટીદાર સમાજના મથુર સવાણી, સુરતના વાસુદેવ પટેલ ભાજપ્ના મનસુખ માંડવિયા અને રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો.
ગુરુવારે સંદર્ભમાં અમદાવાદમાં પણ કેટલાક પાટીદાર નેતાઓ સાથે બેઠકો યોજાઈ હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી સાથે ગુરુવારે બેઠક યોજાય તેવું આયોજન હતું, પરંતુ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને લખેલા પત્રની વિગતો જાહેર થતાં હવે તેને મળ્યા પછી આનંદીબહેન સાથે બેઠકનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સરકાર એવા પ્રયત્નો કરી રહી છે કે જો હાર્દિક પટેલ જેલમાંથી છૂટ્યા બાદ ફરીથી આંદોલન નહીં કરવાની બાંયધરી આપે તો ભાજપ સરકાર તેના સહિત જેલમાં બંધ તમામ પાટીદાર આગેવાનો પરના રાજદ્રોહ સહિતના તમામ કેસ પાછા ખેંચી શકે તેમ છે.
સૂત્રોનું કહેવું છે કે સરકારે ત્યાં સુધીની પણ બાંયધરી આપવાની તૈયારી દશર્વિી છે કે પાટીદાર સમાજને અનામત મળે તે માટે કાયદાકીય રસ્તે જે પણ મદદ જોઈતી હશે તે આપવા સરકાર અને ભાજપ તૈયાર છે.
મથુર સવાણીનું કહેવું છે કે ’હું અને પાટીદાર સમાજના અન્ય આગેવાનોએ 6 જાન્યુઆરીના રોજ સરકારના વરિષ્ઠ લોકો સાથે બેઠક કરી હતી. કારણ કે જેલમાં બંધ આંદોલનકારી આગેવાનો પ્રત્યે સમાજને ચિંતા અને લાગણી છે અને તેથી સમાજના આગેવાનો એવું ઈચ્છી રહ્યા છીએ કે આંદોલનકારી યુવાનો અને સરકાર વચ્ચે સંવાદ થાય તે જરૂરી છે. જો સંવાદ થશે તો ભવિષ્યમાં સમાધાનની ભૂમિકા પણ ઊભી થઈ શકે છે. માટે હું અને પાટીદાર સમાજના અન્ય આગેવાનો પ્રયત્નશીલ છીએ. અમને આશા છે કે સંવાદની ભૂમિકા થઈ શકશે.