Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ
Aarti Sangani Love Marriage
સિંગર કિંજલ દવેએ આંતરજ્ઞાતિય યુવક સાથે સગાઈ કરતા તેના સમાજે બહિષ્કાર કર્યો હતો. આવો જ વધુ એક સિંગરના લવ મેરેજનો મામલો સામે આવતા વિવાદ થયો છે. શહેરની જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ તેજ બન્યો છે. આરતીએ તબલા ઉસ્તાદ દેવાંગ ગોહેલ સાથે ભાગીને લગ્ન કર્યા હોવાના સમાચાર સામે આવતાં જ પરિવાર અને પાટીદાર સમાજમાં હલચલ મચી ગઈ છે.
આ વિવાદની શરૂઆત 16 ડિસેમ્બર 2025થી થઈ. આરતી સાંગાણી ભાવનગરના મેંદરડામાં એક પ્રોગ્રામમાં ગઈ હતી અને તેના પિતાને કહ્યું હતું કે તે બસમાં પરત આવી રહી છે. પરંતુ અચાનક તેનો ફોન બંધ થઈ ગયો. 17 ડિસેમ્બરે પિતા સંજયભાઈએ પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર આરતી અને દેવાંગના લગ્નના વીડિયો અને ફોટા વાયરલ થયા જેમાં તેઓ ખુશીથી લગ્ન કરતા દેખાય છે. આ વીડિયોમાં આરતીએ કહ્યું કે તે ખુશ છે અને તેના નિર્ણયથી કોઈને અસર ન પડે તેવી અપીલ કરી હતી.
આરતીના પિતા લેસ પટ્ટીનું કામ એટલે કે સાડીના જોબ વર્કનું કામ કરે છે. તેમને કુલ 5 દીકરીઓ અને એક દીકરો છે. જેમાં આરતી અને તેની બહેન ટ્વીન્સ છે. જેમાં આરતી નાની છે. જ્યારે ભાઈ સૌથી નાનો છે. આરતીના પિતાનું કહેવું છે કે તેઓએ પોતાની દીકરીને દીકરા સમાન માનીને ઉછેરી હતી. પરિવાર અને સમાજના વિરોધ છતાં પણ દીકરીના સપનાઓ પૂરાં થાય તે માટે તેઓએ હંમેશા તેનો સાથ આપ્યો. તેમણે કહ્યું કે, “મેં આંખ બંધ કરીને દીકરી પર વિશ્વાસ કર્યો હતો, પણ આજે મને એવું લાગે છે કે મારી સાથે વિશ્વાસઘાત થયો છે.” તેમણે ખાસ કરીને દરેક સમાજના માતા-પિતાને સંદેશ આપ્યો કે દીકરીઓ પર વિશ્વાસ રાખવો જરૂરી છે, પણ સાથે જ તેમને સાચો માર્ગ પણ બતાવવો એટલો જ મહત્વનો છે.