1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. પાટીદાર અનામત આંદોલન
Written By
Last Modified: મહેસાણાઃ , મંગળવાર, 1 માર્ચ 2016 (06:16 IST)

હાર્દીકની ઓડીયો ટેપ,પાટીદોરો ઘોકા લઇને નિકળે-રેશ્મા પટેલ

મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહિલા મહાસંમેલનમાં  રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં બંધ હાર્દિક પટેલની ઓડિયો ટેપ વગાડવામાં આવી હતી. આ ટેપમાં હાર્દિકે તેના આક્રમક તેવર યથાવત છે તેનો પરચો આપતાં આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત સરકાર પટેલોના અનામત આંદોલનને  કચડી નાંખવા માટે કાયદાનો દુરૂપયોગ કરી રહી છે પણ પટેલો સરકાર સામે નહીં ઝૂકે. બીજી તરફ પાટીદાર નેતા રેશમા પટેલે હુંકાર કર્યો હતો કે, હવે પટેલોએ અનામત લેવી હશે તો થાળી-વેલણ લઈને નહીં પણ ધોકા લઈને બહાર બહાર નિકળવું પડશે.

આજના આ મહાસંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ મહાસંમેલનના સ્થળે ઉમટી પડી હતી. થાળી-વેલણ લઈને તથા હાર્દિકના માસ્ક પહેરીને આવેલી આ મહિલાઓએ હુંકાર કર્યો હતો કે, હવે અમે સરકારને પટલાણી પાવરનો પરચો બતાવીશું. આ સંમેલનમાં પ્રારંભિક રીપોર્ટ પ્રમાણે વીસ હજાર કરતાં વધારે મહિલાઓ હાજર છે. આ સંમેલનમાં હાર્દિક પટેલના પિતા ભરભાઈ પટેલ, માતા ઉષાબહેન તથા બહેન મોનિકાએ પણ હાજરી આપી છે.

રાજદ્રોહના આરોપમાં જેલમાં બંધ કેતન પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલના પરિવારજનો પણ આ મહાસંમેલનમાં પહોંચી ગયાં હતાં. આ સંમેલનનો પ્રારંભ કેતન પટેલ, દિનેશ બાંભણિયા, ચિરાગ પટેલના પરિવારજનો હસ્તે કરાયો હતો. ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા પણ આ મહાસંમેલનમાં ભાગ લેવા પહોંચી ગયા હતા. આ ઉપરાંત ઉત્તર પ્રદેશના અખિલેશ કટિયાર તથા તેમનાં પત્નિ તેમજ રાજદ્રોહના આરોપી અને હાલમાં જામીન પર મુક્ત નિલેશ એરવડિયા તથા તેમનાં પત્નિ પણ આ મહાસંમેલનમાં હાજર રહ્યાં હતાં.

હાર્દિક પટેલની મુક્તિની માગ આ સંમેલનમાં છવાઈ ગઈ હતી. આ સંમેલનમાં ભાગ લેવા માટે સવારથી જ મહેસાણામાં હજારોની સંખ્યામાં મહિલાઓ ઉમટી પડી છે.  આ સંમેલનને મહિલા સશક્તિકરણ માટેનું સંમેસન જાહેર કરાયું છે પણ સંમેલનમાં જે રીતે પાટીદારો ઉમટ્યા છે અને તેમનો મૂડ છે તે જોતાં આ સંમેલન પાટીદારોનો અન્ય પછાત વર્ગ (ઓબીસી)માં સમાવેશ કરી અનામત આપવાની માગણી બુલંદ કરવાનું માધ્યમ બનશે એ સ્પષ્ટ છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે હજારોની સંખ્યામાં પાટીદારો ઉમટ્યા છે.

મહેસાણામાં અવસર પાર્ટી પ્લોટ સામેના મેદાનમાં યોજાનારા આ પાટીદાર સંમેલનને શનિવારે મોડી સાંજે વહીવટીતંત્ર તરફથી શરતી મંજૂરી મળી હતી. આ મંજૂરી મળતાં જ  ઉપવાસ પર બેઠેલા પાંચ પાદીટારોએ પારણાં કરી લીધાં હતાં.
બીજી તરફ આ મહિલા સંમેલનને  પગલે ગુજરાતમાં ઈંટરનેટ સેવા બંધ રાખવાનો ફતવો સરકાર દ્વારા બહાર પડાયો છે. સવારે રાજ્યમાં 9થી બપોરના 2 સુધી ઈંટરનેટ સેવાઓ બંધ રહેશે જ્મયારે હેસાણામાં મોડી રાત સુધી ઈંટરનેટ બંધ રહેશે. મહિલા સંમેલન અંગે વોટ્સએપ અને સોશિયલ મીડિયા મારફતે મેસેજિસ ન મોકલે, એટલા માટે ગુજરાત સરકારે ઇન્ટરનેટ સેવા જ બંધ કરાવી દીધી છે. આજે જ રેવન્યુ તલાટીની પરીક્ષા હોવાથી ગુપ્તતા જળવાય અને પાટીદાર મહિલા સંમેલન સંદર્ભે અફવાઓ ફેલાય નહી ,તે માટે ઈન્ટરનેટ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવાનું તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે.

પાટીદારોને વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો નહીં કરવા અને બંધારણ ના નિયમોનું પાલન કરવાનું મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારી કે જાહેર મિલકતને નુકસાન ના કરવું, નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી આયોજકની રહેશે, તેમ પણ લખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાટીદારો બાઈક રેલી કે અન્ય કોઈ રેલી કાઢી શકાશે નહીં, તેમજ રેલીના સ્થળ પર અશોભનીય દેખાવો કરી શકાશે નહીં, તેમ મંજૂરી પત્રમાં લખવામાં આવ્યું છે.