શુક્રવાર, 20 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. ધર્મ યાત્રા
  4. »
  5. ધાર્મિક યાત્રા
Written By જનકસિંહ ઝાલા|

સૂતેલા હનુમાનનું મંદિર

રાજકોટના શ્રીબડે બાલાજી હનુમાન

ધર્મયાત્રામાં આ વખતે અમે આપને લઈ જઈએ છીએ, ગુજરાતના રાજકોટ શહેર સ્થિત રામભક્ત હનુમાનના મંદિર. રાજકોટના કોઠારિયા રોડ પર સ્થિત શ્રીબડે બાલાજીના નામથી પ્રસિદ્ધ આ મંદિરની ખાસિયત એ છે કે, તેમાં હનુમાનજીની પ્રતિમા સૂતેલી સ્થિતિમાં વિદ્યમાન છે. આ કારણે આ મંદિર સૂતેલા હનુમાનના નામથી પણ સમગ્ર સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં પ્રસિદ્ધ છે.

આજથી આશરે ચાલીસ વર્ષ પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. મંદિરના પુજારી કમલદાસજી મહારાજ ગુરૂ સર્વેશ્વરદાસજી મહારાજ કહે છે કે, ચાલીસ વર્ષ પહેલા આ સ્થળ પર અનુષ્ઠાન કરતી વેળાએ તેમને હનુમાનજીના સર્પાકૃતિના રૂપમાં દર્શન થયાં, જેને જોઈને તે ઉભા થઈ ગયાં અને તેમનું અનુષ્ઠાન ખંડિત થઈ ગયું.

બાદમાં એક દિવસ સ્વયં હનુમાનજીએ તેમને સ્વપ્નમાં દર્શન આપીને મંદિર નિર્માણ માટે પ્રેરિત કર્યા. જો કે, પ્રથમ અનુષ્ઠાન દરમિયાન તેમને સર્પાકૃતિમાં હનુમાનજીના દર્શન થયાં હતાં એટલા માટે તેમણે કેટલાક ભક્તજનોની આર્થિક મદદથી અહીં પર સૂતેલા હનુમાનની પ્રતિમા બિરાજમાન કરી. પવિત્ર ઔષધી અને મિશ્રિત ધાતુથી બનેલી આ પ્રતિમાની ઉંચાઈ 21 ફૂટ અને પહોળાઈ 11 ફૂટ છે.


શરૂઆતમાં આ મંદિરના નિર્માણમાં ઘણી મુશ્કેલીઓ આવી પરંતુ ધીરે ધીરે આ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ ગયું. આજે અહીં પ્રતિદિન અસંખ્ય ભક્તજન દર્શનાર્થે આવે છે. રામનવમી અને હનુમાન જયંતિ પર તો અહીં લોકોનો મેળો ભરાય છે. આ દિવસે અહીં એક વિશાળ ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે.

janak zala
ભક્તજનોને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતા જ નંદી મહારાજ અને એક મોટી શિવલિંગના દર્શન થાય છે. જેને કમલેશ્વર મહાદેવના નામથી લોકો જાણે છે. મંદિરની અંદર બનેલા ઝરૂખા પરથી ભક્તો નીચે સૂતેલા હનુમાનજીના દર્શન કરે છે.

મંદિરની દીવાલો પર કેટલાયે દેવી દેવતાઓના ચિત્રોને કોઈ અનુભવી ચિત્રકારે જીવંત રૂપ આપ્યું છે જેમાં ગુરૂ સર્વેશ્વરદાસજી મહારાજનું પણ એક ચિત્ર છે. મંદિરની અંદર રામ અને કૃષ્ણના નાના મંદિરો છે.

આ મંદિરના નામ પર એક ટ્રસ્ટનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે જે ગૌસેવા, અન્નસેવા અને ગરીબ વિદ્યાર્થીઓને નિશુલ્ક રહેવા જમવાની સુવિધા પણ પૂરી પાડે છે. કહેવાય છે કે, અહીં કદી પણ દાન માંગવામાં આવતું નથી પરંતુ સ્વયં દાતાઓ દાન દેવા માટે આગળ આવે છે. માન્યતા છે કે, અહીં પર આવનારા પ્રત્યેક ભક્તની માંગણીને બડે બાલાજી સંતોષે છે.

કેવી રીતે પહોંચશો : ગુજરાતના રાજકોટ રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી ઓટો રિક્ષા અથવા તો બસ દ્વારા અહીં પહોંચી શકાય છે.