શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. ખેલાડીઓના પ્રોફાઈલ
Written By પરૂન શર્મા|

સાનિયા મિર્ઝા

15 નવેમ્બર 1986ના રોજ મુંબઈ ખાતે જન્મેલી સાનિયા મિર્ઝાને ભારતમાં વુમન્સ ટેનિસ લોકપ્રિય બનાવનાર પ્રેરકબળ કહી શકાય. 2005ની ટેનિસની પહેલી ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ ઓસ્ટ્રેલીયન ઓપનમાં વુમન્સ સિંગલ્સની સ્પર્ધામાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચીને સાનિયા મિર્ઝાએ ઈતિહાસ સર્જ્યો. આ રીત તેણે કોઈ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટમાં ત્રીજા રાઉન્ડ સુધી પહોંચનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બનવાનું ગૌરવ હાંસલ કર્યુ. ઉલ્લેખનીય છે કે તે વખતે સાનિયાને ઓસ્ટ્રેલીયન ઓપનમાં વાઈલ્ડકાર્ડ દ્વારા પ્રવેશ મળ્યો હતો. તે અગાઉ 1998માં ભારતની નિરૂપમા સંજીવ ઓસ્ટ્રેલીયન ઓપના બીજા રાઉન્ડ સુધી પહોંચી હતી. જો કે ત્રીજા રાઉન્ડમાં સાનિયાનો સેરીના વીલીયમ્સ સામે પરાજય થયો. છતા સાનિયાની સિદ્ધીને નાનીસૂની તો ન જ ગણી શકાય.

થોડા દિવસો પછી 12 ફેબ્રુઆરી 2005ના રોજ સાનિયાએ હૈદરાબાદમાં ડબલ્યુ.ટી.એ. ચેમ્પિયનશીપ જીતીને તેની કારકિર્દીમાં વધુ એક છોગું ઉમેર્યુ. આ વિજય દ્વારા સાનિયા ડબલ્યુટીએ ચેમ્પિયનશીપ જીતનાર પહેલી ભારતીય મહિલા ખેલાડી બની. હાલ ભારતના યુથ આઈકોન તરીકે લોકપ્રિય એવી સાનિયાએ અત્યાર સુધીની કારકિર્દીમાં વુમન્સ સીંગલ્સમાં 10 ઓક્ટોબર 2005ના રોજ 31નું અને વુમન્સ ડબલ્સમાં 8 મે 2006ના રોજ 37નું શ્રેષ્ઠ રેન્કિન્ગ હાંસલ કર્યુ છે. પોતાની રમતની સાથે સાનિયા કોઈને કોઈ કારણસર સમાચાર માધ્યમોમાં છવાયેલી રહે છે તેના પરથી જ તેની લોકપ્રિયતાનો અંદાજો લગાવી શકાય.

સાનિયાએ માત્ર છ વર્ષની નાની ઉંમરે જાણીતા તેના પિતા ઈમરાન મિર્ઝાના માર્ગદર્શન હેઠળ હૈદરાબાદના નિઝામ ક્લબ ખાતે ટેનીસ રમવાનું શરૂ કર્યુ. તેની ટેનીસ કારકિર્દી નીખારવામાં જાણીતા ટેનિસ ખેલાડી મહેશ ભૂપથીના પિતા સી.જી.ક્રિષ્નાએ પણ સારૂં એવું યોગદાન આપ્યું છે. આગળ જતા તેણે સિકંદરાબાદની સીનેટ ટેનીસ એકેડમી અને અમેરીકાની એસ ટેનીસ એકેડમીમાંથી ટેનીસના દાવપેચનું ગહન શિક્ષણ હાંસલ કર્યું.

1999માં જકાર્તા ખાતે વર્લ્ડ જૂનીયર ચેમ્પિયનશીપ દ્વારા તેણે પહેલીવાર આંતરરાષ્ટ્રીય ટેનીસમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ. 2004ના વર્ષ માટે ભારત સરકારના પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી સન્માનિત એવી સાનિયાની ફેવરીટ ટેનીસ ખેલાડી છે વિતેલા વર્ષોની હોટ સેન્સેશન સ્ટેફી ગ્રાફ.

2003માં પ્રોફેશનલ ટેનીસ પ્લેયર તરીકે રમવાનું શરૂ કરનાર સાનિયા 2004માં એશિયન ટેનિસ ચેમ્પિયનશપમાં રનર્સઅપ રહી હતી. સપ્ટેમ્બર 2006માં સાનિયાએ માર્ટીના હિંગીસ સહીત ત્રણ ટોપ ટેન ખેલાડીઓને હરાવીને તેની શક્તિનો નમૂનો પૂરો પાડ્યો હતો. 2003માં સાનિયાએ રશિયાની એલીસા ક્લેબેનોવા સાથે મળીને વિમ્બલ્ડનમાં ગર્લ્સ ડબલ ચેમ્પિયનશીપ પર કબજો જમાવ્યો હતો.

2006માં દોહા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સાનિયાએ વુમન સિંગલ્સમાં સીલ્વર અને મીક્સ ડબલ્સમાં લીયેન્ડર પેસ સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો, સાથે સાથે દોહામાં સીલ્વર મેડલ જીતનાર વુમન્સ ટીમમાં પણ સાનિયાનો સમાવેશ થતો હતો. 2006માં તેણે બેંગ્લોર ઓપનમાં વુમન્સ ડબલ અને સીંગલ્સમાં વિજેતાપદ મેળવ્યું હતું. તો તે જ વર્ષે સનફિસ્ટ કોલકત્તા ઓપનમાં લીઝલ હ્યુબર સાથે મળીને વુમન્સ ડબલ્સનો ખિતાબ જીત્યો હતો.