ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 19 એપ્રિલ 2017 (12:48 IST)

ગુજરાતની વિચારવા લાયક ઘટના - 17 વર્ષ બાદ ભૂકંપમાં ગૂમ થયેલો દિકરો સાઘુ બનીને પિતાને મળ્યો

કચ્છમાં વર્ષ 2001માં આવેલા વિનાશક ભૂકંપમાં હજારોના મોત થયા અને અનેક લોકો ગુમ થયેલા જેમનો આજ સુધી પત્તો મળ્યો નથી, પણ તેમાં જાણે ચમત્કાર થયો હોય તેમ 17 વર્ષ પહેલાં ભુજમાં કાટમાળમાં દબાયા બાદ લાપતા થયેલો અરૂણ નામનો તરૂણ દોઢ દાયકા કરતા વધુના સમય બાદ અરૂણાનંદ સ્વામી તરીકે મળી આવતાં તેના પિતાની એક આંખમાં હર્ષના તો બીજી આંખમાં પુત્ર ગુમાવ્યાના આંસુ સરી આવ્યાં હતાં.  ભૂકંપ આવ્યો ત્યારે ભુજના મંગલમ એપાર્ટમેન્ટમાં રાજપૂત પરિવારના માતા અને એક પુત્રનાં મોત થતાં તેની લાશ મળી હતી, જ્યારે એક પુત્રની ભાળ ન મળતાં ચારે બાજુ તેની તપાસ આદરાઇ હતી, તેમ છતાં તે સમયે અરૂણ નામના તરૂણનો કોઇ પત્તો મળ્યો ન હતો. પત્ની અને પુત્ર ગુમાવનારા તેમના પિતા ભાણજીભાઇ સોલંકી પર જાણે આભ ફાટી પડ્યું હતું. તેમ છતાં તેમણે અતૂટ આશા સાથે પોતાના ગુમસુદા પુત્રની શોધખોળ જારી રાખી હતી, પણ તેમાં નિષ્ફળ રહેતાં ઇશ્વરની ઇચ્છા મહાન સમજીને સત્ય સ્વીકારી લીધું. આ ઘટનાનો  ચમત્કારિક મોડ આવ્યો હોય તેમ એક સપ્તાહ પહેલાં હરિયાણાથી કચ્છમાં આવેલા સાધુઓની મંડળીમાં અરૂણ હોવાની વાત પરિજનોને પહોંચી હતી. આ સાધુ સંતોના નખત્રણા તાલુકાના વિથોણ ગામમાં રોકાણ દરમિયાન તેમના પિતા અને પરિજનો તેને મળવા પહોંચ્યા તો અરૂણમાંથી સ્વામી અરૂણાનંદ બનેલા આ 32 વર્ષીય યુવકે તમામને નામજોગ ઓળખી બતાવ્યા એટલું જ નહીં પણ ભૂતકાળના સંસ્મરણો તાજાં પણ કર્યાં હતાં. દરમિયાન, તેમના પિતાએ જો પુત્રના લગ્ન કર્યા હોત તો ધામધૂમપૂર્વક થાત તેવું વિચારીને હવે તેને નલિયામાં તા. 26 એપ્રિલથી વિધિ-વિધાનપૂર્વક દીક્ષા આપવાનો નિર્ણય લીધો છે, જેને પગલે ત્રિદિવસીય દીક્ષા ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે તેમ સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.