સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 18 મે 2017 (15:45 IST)

ટ્રાફિક ભંગના કાયદામાં અમદાવાદીઓએ પાંચ મહિનામાં ર.૪પ કરોડનો દંડ ભર્યો

ટ્રાફિકના નિયમોનું પાલન ન કરનારા અમદાવાદીઓ પાસેથી દંડની રકમ વસૂલવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ર૦૦થી વધુ કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરામાં ટ્રાફિકના નિયમનો ભંગ કરતાં કેદ થઇ અમદાવાદીઓએ પાંચ મહિનામાં રૂ.ર.૪પ કરોડનો દંડ ભર્યો છે. સૌથી વધુ દંડ હેલ્મેટ ન પહેરનાર વ્યક્તિઓએ ભર્યો છે તેમજ એપ્રિલ માસમાં સુધી વધુ રૂ.૯૬ લાખનો દંડ વસૂલાયો છે.

રસ્તા ઉપર ઊભા રહીને દંડ વસૂલતી ટ્રાફિક પોલીસને ઈ-મેમો સિસ્ટમ આવતાં પ્રજાજનો સાથે બિનજરૂરી ગજગ્રાહમાંથી રાહત મળી છે. ટ્રાફિક પોલીસે ઈ-મેમો તૈયાર કરવા ખાસ બનાવેલા કન્ટ્રોલરૂમમાં બે શિફ્ટમાં ૧ર-૧ર માણસો આઠ-આઠ કલાક કામ કરે છે. ખાસ કન્ટ્રોલરૂમમાં દર બે મિનિટે એક એટલે કે દરરોજના સરેરાશ પ,૦૦૦ જેટલા ઈ-મેમો તૈયાર થાય છે. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દરરોજ પાંચ હજારથી વધુ ઇ-મેમો આપવાના શરૂ કરાયા છે, જેના કારણે દંડની રકમમાં વધારો થયો છે. છેલ્લા જાન્યુઆરી-ર૦૧૭થી ૧૧ મે, ર૦૧૭ સુધીમાં ઈ-મેમોનો રૂ.ર.૪પ કરોડનો દંડ ટ્રાફિક પોલીસ દ્વારા વસૂલાયો છે. ટ્રાફિકનો નિયમ તોડનારાઓને પોલીસ દ્વારા ઘરે ઈ-મેમો પહોંચાડવામાં આવે છે અને નજીકના પોલીસ સ્ટેશનમાં આ દંડની રકમ વસૂલાય છે. લોકો સુધી ઈ-મેમો સરળતાથી ન પહોંચતો હોવાની અનેક ફરિયાદો ઊઠવા પામી હતી, પરંતુ પોલીસ દ્વારા પોસ્ટથી અને હવે મોબાઈલમાં ફોટો પાડી અને ઈ-મેમો ફટકારવાનું શરૂ કરવામાં આવતાં દંડની રકમમાં વધારો થયો છે. શહેર ટ્રાફિક પોલીસ જે ઈ-મેમો મોકલે છે તેમાં એકાદ ટકાથી પણ ઓછા કિસ્સામાં ખોટા ઈ-મેમો તૈયાર થઈ જતાં પોલીસ ખોટા ઈ-મેમો મોકલે અને પ્રજાએ પરેશાન થવું પડે છે છતાં પોલીસ દ્વારા રસ્તા પરથી દંડની વસૂલાત કરતાં વધુ રકમનો દંડ વસૂલાયો છે. લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે સરકાર દ્વારા નિયમના ભંગ બદલ દંડની રકમમાં ગત માર્ચ મહિનામાં વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ અમદાવાદીઓએ સુધરવાની જગ્યાએ ઊલટું ટ્રાફિકના નિયમોના ભંગમાં વધારો કર્યો છે.

એપ્રિલ મહિનામાં જ કેમેરામાં કેદ થઇ અમદાવાદીઓએ રૂ.૯૬ લાખનો દંડ ભર્યો છે. હમ નહિ સુધરેંગે તેવું માની બેઠેલા અમદાવાદીઓ ફરજ સમજી ક્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરશે તે એક પ્રશ્ન છે. અમદાવાદીઓમાં ટ્રાફિક સેન્સ અને નિયમ પાલનમાં સુધારો જોવા મળતો નથી ત્યારે બીજી તરફ આવનારા દિવસોમાં પોલીસ પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવા ઉપરાંત ટ્રાફિક નિયમના ભંગ બદલ સખત કાર્યવાહી કરશે. ટ્રાફિક વિભાગના ઇન્ચાર્જ એ‌િડ. સીપી સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે લોકો સુધી ઈ-મેમો હવે ઝડપી પહોંચતાં દંડની રકમમાં વધારો થયો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ઈ-મેમોના દંડની સંખ્યા વધી છે