વાયબ્રન્ટના તાયફાઓ પહેલા જ 200થી વધુ શ્રમજીવી પરિવારોને ઘર વિહોણા કરી દેવાશે?
ગાંધીનગર શહેરમાં વાયબ્રન્ટ સમિટ માટેનો તખ્તો ઘડાઈ ગયો છે અને તેની તૈયારી પુરજોશમાંચાલી રહી છે ત્યારે મહાત્મા મંદિરની પાછળ જ નવી બની રહેલી પાંચ સિતારા હોટલની પાસે અંડરપાસ બનાવવાની કામગીરી પણ શરૃ કરાઈ છે. '
જે માટે નડતરરૃપ ર૦૦થી વધુ ઝુંપડાને તંત્ર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આ સમિટ પહેલા જ આ ર૦૦ ઝુંપડાઓને ખસેડવાનો પ્લાન બનાવાયો છે. જો કે તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કયાં કરવી તે અંગે નિર્ણય લેવાયો નથી. શિયાળાની ઠંડીમાં તંત્ર દ્વારા આ પરિવારોને ખસેડવામાં આવશે ત્યારે ઘર્ષણની પણ શકયતા પણ પૂરેપૂરી જોવાઈ રહી છે.
ગાંધીનગર શહેરની રચના થઈ ત્યાર બાદ શહેરમાં શ્રમજીવી પરિવારો માટે સરકાર દ્વારા કોઈ સુઘડ આયોજન કરવામાં આવ્યું નથી. ગાંધીનગર શહેરમાં સેકટરોની સાથે ફતેપુરા, સે-૧૩, ગોકુળપુરા, આદિવાડા, બોરીજ, ધોળાકુવા જેવા વિસ્તારોમાં હજુ પણ ઝુંપડપટ્ટી જોવામળે છે.
સરકાર દ્વારા જ્યારે મહાત્મા મંદિરના પાયા ખોદવામાં આવ્યા તે પહેલા સે-૧૩માં ર૦૦થી વધુ ઝુંપડાઓને હટાવવામાં આવ્યા હતા. જો કે હાઈકોર્ટના આદેશના કારણે આ પરીવારોને જીઆઈડીસીમાં મકાન બાંધી આપવામાં આવ્યા હતા. ત્યારે ફરીવાર આ સ્થિતિનું નિર્માણ થયું હોય તેવું લાગી રહયું છે. મહાત્મા મંદીર પાસે પાંચ સિતારા હોટલ બનીરહી છે. રેલ્વે સ્ટેશનની ઉપર નિર્માણ પામનાર આ હોટલની નજીકમાં જ અંડરપાસ બનાવવામાં આવનાર છે એટલે ખ-માર્ગથી સીધા જ ક-માર્ગ ઉપર પહોંચી શકાશે.
આ વિસ્તારમાં સે-૧૩ અને ગોકુળપુરામાં ર૦૦થી વધુ ઝુંપડાઓ હટાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. થોડા મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા આ ઝુંપડાઓને નોટિસ પાઠવીને ખાલી કરી દેવા માટે જણાવી દેવાયું હતું ત્યારે અંડરપાસ બનાવવાની કામગીરી શરૃ કરી દેવામાં આવી છે જેના કારણે આગામી દિવસોમાં આ ઝુંપડાઓ હટાવવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૃ કરવામાં આવનાર છે
હજુ સુધી આ પરિવારો માટે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી ત્યારે શીયાળામાં જ આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે તો આ પરિવારોની સ્થિતિ કફોડી બનશે અને તંત્ર સાથે ઘર્ષણ પણ નક્કી જ છે. વાયબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન સહિતના મહાનુભાવો આવવાના છે ત્યારે તે પહેલા તંત્ર કોઈ નિવેડો લાવે તેવી લાગી રહયું છે.