સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (12:41 IST)

સાયબર ક્રાઇમના કેસ અંગે 10 લાખની લાંચ, સાત લાખ લઈ લીધા, ત્રણ લાખ માટે હેરાનગતિ કરી

Cyber ​​Crime Police Officer
Cyber ​​Crime Police Officer
અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા એક કેસમાં 10 લાખની લાંચ માગવામાં આવી હતી. ફરિયાદીએ ટુકડે ટુકડે છથી સાત લાખ રૂપિયા ચૂકવી દીધા હતા. બાકીના ત્રણ લાખ રૂપિયાની ચુકવણી વખતે એસીબીનો સંપર્ક ફરિયાદીએ કરતા એસીબી દ્વારા છટકું ગોઠવી પોલીસ કર્મચારી હરદીપસિંહ પરમારને ઝડપી લીધો છે. પરંતુ ફરિયાદી કોન્સ્ટેબલ અને તેના ઉપરી અધિકારી જાડેજાથી કંટાળીને રિવરફ્રન્ટ ખાતે આપઘાત કરવા પહોંચ્યો હતો અને ત્યારે તેણે પોતાની આપવીતી જણાવતો વીડિયો બનાવ્યો હતો.

જે હાલ બહાર આવ્યો છે. અમદાવાદ એસીબીમાં ફરિયાદ કરનાર ફરિયાદીએ સાબરમતી રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરવા પહોંચી અને વીડિયો બનાવ્યો હતો. પોલીસ કર્મચારી અને તેના ઉપરી અધિકારી જાડેજા ફરિયાદીને પૈસા આપવા માટે એટલા બધા હેરાન કરતા હતા કે, ફરિયાદી પોતે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આત્મહત્યા કરવા પહોંચ્યો હતો. જે પહેલાં તેણે વીડિયો બનાવ્યો હતો અને પોતે હરદીપસિંહ અને ઉપરી અધિકારી જાડેજાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા જાય છે તેમ તેણે જણાવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઈમમાં એક અરજી થઈ હતી, જે બદલ સાયબર ક્રાઇમ દ્વારા એક વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું હતું. આ અરજીમાં ફરિયાદ નહીં કરવા તથા ફ્રીઝ કરેલું એકાઉન્ટ ખોલવા માટે સાયબર ક્રાઇમના જ કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમારે 10 લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી, જેમાંથી 7 લાખ રૂપિયાની લાંચ ટુકડે-ટુકડે લઈ લીધી હતી જ્યારે બાકીના 3 લાખ રૂપિયાની લાંચ લેવા જતા એસીબીએ રંગે હાથે ઝડપી લીધો છે.

7 લાખની વસૂલી કર્યા બાદ બાકીના 3 લાખની કોન્સ્ટેબલે માગણી કરતા ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ ટ્રેપ ગોઠવી હતી. લાંચની રકમ લેવા આવનાર હરદીપસિંહને ACBએ કેમ્પ હનુમાન ટેલિફોન એક્સચેન્જ પાસેથી લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. આ અંગે ACBએ ગુનો પણ નોંધ્યો છે. હવે આ અંગે અન્ય અધિકારીની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.