રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 11 ડિસેમ્બર 2021 (11:13 IST)

7 મહિનાથી માગણીઓ ન સંતોષાતા સિવિલના 350 સહિત રાજ્યના 10 હજાર ડૉક્ટર 13મીથી હડતાળ પાડશે

સિવિલ હોસ્પિટલ સહિત રાજ્યભરની મેડિકલ કોલેજ અને તેની સાથે જોડાયેલી હોસ્પિટલોમાં ફરજ બજાવતા સિનિયર ડોક્ટરોએ પડતર માગણીઓનો સાત મહિનાથી ઉકેલ ન આવતા છેવટે હડતાલ પર જવાનો નિર્ણય કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા 350 સહિત રાજ્યભરના 10 હજાર જેટલા સિનિયર ડોક્ટરોએ સોમવાર 13 ડિસેમ્બરથી અચોક્ક્સ મુદ્દતની હડતાલ પર જવાની જાહેરાત કરી છે. જેના પગલે સિવિલ સહિત મેડિકલ કોલેજો સાથે સંકળાયેલી હોસ્પિટલોમાં તબીબી સેવા ખોરવાશે અને દર્દીઓને હાલાકી ભોગવવી પડે તેવી શક્યતા છે.

ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશનના પ્રમુખ રજનીશ પટેલે ઉપરોક્ત માહિતી આપતા વધુમાં જણાવ્યું કે, એસોસિએશન સાથે જોડાયેલા રાજ્યની મેડિકલ કોલેજના તબીબી અધ્યાપકોની અનેક પડતર માગણીઓ અંગે 16 મે 2021ના રોજ સમાધાન થયું હતું. જેમાં સરકાર તરફથી તમામ માગણીઓનો અમલ બે મહિનામાં શરૂ કરી દેવામાં આવશે તેમ જણાવાયું હતું. પરંતુ આજે સમાધાનને લગભગ 7 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં એડહોક ક્લેમ સેટલમેન્ટ, પ્રમોશન આપવા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરવા સહિતની તબીબી અધ્યાપકોની પડતર માગણીઓ અંગે સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. ત્યારે આ વહીવટી નિષ્ફળતા ખુલ્લી પાડવા ફરી એકવાર હડતાલ પર જવાની જાહેરાત કરવામાં આવી છે.હજુ એક દિવસ પહેલાં જ જુનિયર ડોક્ટરોની હડતાલ સમેટાઈ છે ત્યારે ફરીએકવાર સિનિયર ડોક્ટરો હડતાલ પર જાય તે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. બીજે મેડિકલના જુનિયર ડૉક્ટરો પણ તાજેતરમાં હડતાળ પર જતાં ઓપીડી સહિતની તબીબી સેવાઓ ખોરવાઈ ગઈ હતી. જોકે સરકારે ફરી યોગ્ય પગલાંની ખાતરી આપતા હજુ 2 દિવસ પહેલાં જ તેમની હડતાળ સમેટાઈ હતી.