જામનગરમાં ‘પિતાએ કેમ નાપાસ થઈ?’ એમ કહેતાં ધોરણ 12 કોમર્સમાં ભણતી દીકરીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો
જામનગરમાં ધો.12 કોમર્સમાં નાપાસ થતાં શહેર ભાજપ મહામંત્રીની પુત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી સાથે ભારે ચકચાર જાગી છે. પિતાએ કેમ નાપાસ થઇ એમ કહેતાં લાગી આવતાં પુત્રીએ આ પગલું ભર્યાનું પોલીસમાં જાહેર થયું છે. બનાવની જાણ થતાં ભાજપના અગ્રણીઓ હોસ્પિટલે દોડી ગયા હતા.શહેરભરમાં ચકચાર જગાવનાર બનાવની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર શહેરમાં ગાંધીનગર મેઇન રોડ પર આવેલી ગોકુલધામ સોસાયટી-4 માં રહેતા અને જામનગર શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવાની 17 વર્ષની પુત્રી પ્રતિક્ષાબાએ બુધવારે સવારે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ લીધો હતો. આથી તેણીને તાકીદે જી.જી.હોસ્પિટલ ખસેડાઇ હતી. જયાં ફરજ પરના તબીબોએ તેણીને મૃત જાહેર કરતા શોકનું મોજું ફરી વળ્યું હતું.આ બનાવની જાણ થતાં ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના અગ્રણીઓ હોસ્પિટલ દોડી ગયા હતાં. બનાવની જાણ થતાં સીટી બી પોલીસ સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે ખસેડી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તરૂણી ધો.12 કોસર્સમાં અભ્યાસ કરતી હોય પરીક્ષામાં નાપાસ થઇ હતી. આથી પિતાએ પરીક્ષામાં કેમ નાપાસ થઇ તેમ કહેતા લાગી આવતા આપઘાત કરી લીધાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પરીક્ષામાં નાપાસ થતાં રાજકીય આગેવાનની પુત્રીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા શહેરભરમાં અરેરાટી પ્રસરી છે.