શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 5 જાન્યુઆરી 2021 (14:35 IST)

અમદાવાદમાં પતંગ ઉડાડતાં ધાબા પરથી નીચે પટકાતા 10 વર્ષના બાળકનું મોત નિપજ્યું

બાળકોનો પ્રિય તહેવાર ઉત્તરાયણ હવે નજીક આવી રહ્યો છે. બાળકો અત્યારથી જ પતંગ ઉડાડતા હોય છે ત્યારે તહેવાર બાળકો માટે સજા ન બની જાય તેના માટે ઘણી સાવધાની રાખવી પડતી હોય છે. અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પતંગ ચગાવતાં ચગાવતા 10 વર્ષના બાળકનું ધાબેથી પટકાતા મોત થયું છે.  મેઘાણીનગર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રહેતા 10 વર્ષીય રોનક રાવત પરિવાર સાથે રહેતો હતો. તેના પિતા કિડની હોસ્પિટલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.રોનકના માતા પિતા એક મરણ પ્રસંગ માં ગયા હતા. ત્યારે ઘરે રોનક અને તેના દાદી એકલા હતા. દરમ્યાનમાં રોનકના દાદી ઘરમાં નીચે હતા અને રોનક ધાબે પતંગ ચગાવવા ગયો હતો. અચાનક જ રોનક ધાબેથી પટકાતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. પતંગ ચગાવતા એવું તો શું થયું કે તે નીચે પટકાયો તેની જાણ નથી. પણ આસપાસના લોકોએ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.આમ બે દિવસમાં બીજા બાળકનું પતંગના કારણે મોત થયું છે.