શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 27 ઑગસ્ટ 2024 (12:54 IST)

24 કલાકમાં મોરબીના ટંકારામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો, રાજકોટનો આજીડેમ ઓવરફ્લો

morbi dam
morbi dam
હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા બે દિવસથી ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ આગામી ત્રણ દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ ૧૪ ઇંચ જેટલો, જ્યારે પંચમહાલના મોરવા (હડફ) તેમજ ખેડાના નડિયાદ તાલુકામાં ૧૩ ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.સમગ્ર આણંદ જિલ્લામાં પણ ગત ૨૪ કલાકમાં રાજ્યનો સૌથી વધુ ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. પંચમહાલ જિલ્લામાં ૯ ઈંચથી વધુ, જ્યારે, ખેડા અને મોરબી જિલ્લામાં ૮ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.આજે સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજકોટના લોધિકા અને રાજકોટ તાલુકામાં સૌથી વધુ ૫ ઇંચ વરસાદ વરસ્યો છે.
 
મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર તરફથી મળેલા અહેવાલ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં આણંદના બોરસદ, ખંભાત, તારાપુર અને આણંદ તાલુકામાં, વડોદરાના પાદરા અને વડોદરા તાલુકામાં, પંચમહાલના ગોધરામાં અને મોરબીના વાંકાનેર તાલુકામાં ૧૨ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સાથે જ આણંદના સોજીત્રા અને પેટલાદ, કચ્છના માંડવી અને નખત્રાણા, ખેડાના વાસો, મહીસાગરના બાલાસિનોર તેમજ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકા ઉપરાંત મોરબી અને રાજકોટ તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ થયો છે.
 
૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો 
ખેડાના ગળતેશ્વર, મહુધા અને મહેમદાવાદ તાલુકા સહિત જામનગરના કાલાવડ, પંચમહાલના શહેરા, મહીસાગરના સંતરામપુર, અરવલ્લીના મેઘરજ, અમદાવાદના ધોળકા તાલુકામાં ૮ ઇંચ વરસાદ સાથે સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે. આ ઉપરાંત રાજ્યના ૧૧ તાલુકામાં ૭ ઈંચથી વધુ, અન્ય ૧૧ તાલુકામાં ૬ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં ૫ ઈંચથી વધુ, ૨૫ તાલુકામાં ૪ ઈંચથી વધુ, ૪૦ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૩૭ તાલુકામાં ૨ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ૩૫ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૪૮ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. 
 
પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો
છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૫૧ તાલુકામાં સરેરાશ ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આજે તારીખ ૨૭મી ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૯૯.૬૬ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા  મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૧૬ ટકાથી વધુ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં ૧૦૮ ટકાથી વધુ તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૧ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૯૮ ટકાથી વધુ, જ્યારે ઉત્તર ગુજરાતમાં ૮૦ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
 
૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો
રાજ્યમાં સાર્વત્રિક વરસાદના ભાગરૂપે ૭૬ જળાશયો સંપૂર્ણ એટલે કે ૧૦૦ ટકા જ્યારે ૪૬ જળાશયો-ડેમ ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના ૨૩ ડેમ ૫૦ ટકાથી ૭૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે ૩૦ ડેમ ૨૫ થી ૫૦ ટકા વચ્ચે તેમજ ૩૧ ડેમ ૨૫ ટકાથી ઓછા ભરાયા છે. સરદાર સરોવર યોજનામાં હાલમાં ૨,૯૦,૫૪૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે.રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૪,૦૭,૪૪૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૭૨.૭૩ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ ૨૦૭ જળાશયોમાં ૭૮ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૮૭ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૭૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૬૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૬૧ ટકા જ્યારે ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૯ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે.