બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 13 એપ્રિલ 2020 (12:54 IST)

લોકડાઉનને લઇને મહત્વના સમાચાર, ત્રણ ઝોનમાં આ 15 ઉદ્યોગોને મળી શકે છૂટ

ગુજરાતમાં સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે હાલની લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના સાગરખેડૂ-માછીમાર પરિવારોને આર્થિક આધાર રૂપ મત્સ્યોદ્યોગ પ્રવૃત્તિથી આવક મળી રહે તે માટે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. કોરોના વાયરસ – કોવિડ-19 ની સ્થિતીને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે રાજ્યના માછીમારો-સાગરખેડૂઓને દરિયામાં જવા પર-દરિયો ખેડવા પરનો અગાઉ લાદેલો પ્રતિબંધ હવે રાજ્ય સરકારે દૂર કર્યો છે. આ નિર્ણયને પરિણામે રાજ્યમાં મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા લાખો સાગરખેડૂ-માછીમાર પરિવારોને પોતાના પારંપારિક વ્યવસાય દ્વારા પૂન: રોજગારી-આવક મળતી થશે. 
 
 
ગુજરાતમાં આવતીકાલે એટલે કે 14 એપ્રિલના રોજ લોકડાઉનનો સમય પુરો થાય છે. ત્યારે આ લોકડાઉનને આગળ વધારવું કેમ તે અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા થઇ નથી. પરંતુ પરિસ્થિતિને જોતાં લોકડાઉન આગળ લંબાઇ શકે છે. તો બીજી તરફ ઉદ્યોગ મંત્રાલયે ટેક્સટાઇલ, બાંધકામ, જેમ્સ એન્ડ જ્વેલરી જેવા 15 મોટા ઔદ્યોગિક ક્ષેત્રોમાં કામ શરૂ કરવા ભલામણ કરી છે. સાથે જ સ્ટ્રીટ વેન્ડર્સને કામ કરવાની મંજૂરી આપવાની વાત પણ કરવામાં આવી છે.
 
ગુજરાત સરકારે અમુક શાકભાજી, ફ્રૂટવાળા અને રિપેરિંગ વર્કર્સને છૂટ આપવાનો વિચાર કર્યો છે. રાજ્યના 15 જેટલા મોટા ઉદ્યોગો ખુલે તેવી સંભાવના જોવા મળી રહી છે. પરંતુ તેમના કેટલાક નિયમોનું પાલન કરવાનું રહેશે જેથી કોવિડ 19નું સંક્રમણ ફેલાય નહી. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પડશે. રાજ્ય સરકારે તેના માટે સરકારે રેડ, ઓરેન્જ, ગ્રીન ઝોનમાં શહેરના વિસ્તારોને વહેંચી નાંખ્યા છે.
 
અમદાવાદના જે વિસ્તારોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધુ છે તેને હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યા છે. હોટસ્પોટવાળા જિલાને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. આ જિલ્લામાં પહેલાંની માફક બંધનું પાલન કરવાનું રહેશે. જ્યારે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અમુક બજારો ખુલી શકે છે. પરંતુ બજાર ખુલવાનો સમય મર્યાદિત કરવામાં આવી શકે છે. જોકે, અત્રે ઉલ્લેખનીય છે કે તમામ સામાજિક આયોજનો, મેળાવડા, અને રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ રહેશે. જ્યારે ગ્રીન ઝોન જે ચેપમુક્ત જિલ્લા છે ત્યાં વેપાર-ધંધા શરૂ થઇ શકશે. જોકે, આ અંગે અંતિમ નિર્ણય વડાપ્રધાનના સ્તરે લેવાશે