ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 12 ફેબ્રુઆરી 2024 (18:23 IST)

ગુજરાતની 1606 સ્કૂલોમાં એક જ શિક્ષક ભણાવે છે, સરકાર ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમશે

kuberbhai dindor
-શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે કબૂલાત કરી 
-ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે
-રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે

આજે વિધાનસભા સત્રમાં શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરે કબૂલાત કરી છે કે, ગુજરાતમાં 1606 પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે. યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલા ‘નો ટીચર, નો ક્લાસ - સ્ટેટ ઓફ ધી એજ્યુકેશન રિપોર્ટ ફોર ઇન્ડિયા 2021’માં જાહેર કરવામાં આવેલી આંકડાકીય માહિતી મુજબ રાજ્યમાં માત્ર એક જ શિક્ષકથી ચાલતી સ્કૂલની સંખ્યા 1275 હતી અને રાજ્યની 17 ટકા શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ફાજલ પડી હતી જ્યારે વર્તમાન સમયમાં 1606 જેટલી પ્રાથમિક સ્કૂલમાં માત્ર એક જ શિક્ષક છે. બેથી ત્રણ વર્ષના સમયગાળામાં એક જ શિક્ષક પર ચાલતી સ્કૂલોની સંખ્યામાં 331 સ્કૂલોનો વધારો થયો છે.
 
રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે
આજે વિધાનસભા ખાતે રાજ્યમાં એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક સ્કૂલની વધુ શિક્ષકો મૂકવા અંગેના પ્રશ્નોના ઉત્તરમાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે ઉમેર્યું કે, રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ફાળવણી RTE એક્ટ હેઠળ કરવામાં આવે છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 1 શિક્ષકની ફાળવણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોય એવી શાળાઓ પણ વધુ છે. જેના પરિણામે એક જ શિક્ષક ધરાવતી પ્રાથમિક શાળાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સંખ્યા આધારિત શિક્ષકોની ભરતી સત્વરે કરવામાં આવશે. રાજ્યમાં એક જ શિક્ષકવાળી 1606 પ્રાથમિક શાળાઓ છે તેમાં સત્વરે શિક્ષકો મૂકવામાં આવશે. 
 
રાજ્યની કુલ શાળાઓમાંથી 77 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં
તેમણે વધુમાં કહ્યું હતું કે,રાજ્યની કુલ શાળાઓમાંથી 77 ટકા ગ્રામ્ય વિસ્તારોમાં છે. 98 ટકા શાળાઓ પાકા રસ્તાઓથી જોડાયેલી છે. તમામ શાળાઓમાં પીવાના પાણીની પૂરતી સુવિધાઓ છે. 76 ટકા શાળાઓમાં લાઈબ્રેરીની જ્યારે 67 ટકા શાળાઓમાં ઇન્ટરનેટની સુવિધા છે. 76 ટકા શાળાઓમાં મફતમાં પુસ્તકો મળે છે. 96 ટકા શાળાઓમાં છોકરાઓ માટેનું શૌચાલય જ્યારે 97 ટકા શાળાઓમાં છોકરીઓ માટેનું શૌચાલય ચાલું સ્થિતિમાં છે. રાજ્યની તમામ શાળાઓમાં વીજળીની સુવિધા ઉપલબ્ધ છે. 76 ટકા શાળાઓમાં ક્લાસરૂમની સ્થિતિ સારી છે એટલે કે 24 ટકા ક્લાસ રૂમ સારી સ્થિતિમાં નથી.