સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 એપ્રિલ 2021 (10:47 IST)

180 સ્વયંસેવકો અમદાવાદ સિવિલમાં હોસ્પિટલમાં આપશે સેવા

કોવિડ-૧૯ના કપરા કાળમાં માનવતાનો સાદ પડ્યો છે ત્યારે  સ્વયંસેવકોએ પોતાની પ્રાણની પરવા કર્યા વિના સમાજ માટે બનતું બધું કરી છૂટવા સજ્જ બન્યાં છે. શુક્રવારથી અમદાવાદ સિવિલમાં મેડિકલ સ્ટાફના શિરે રહેલો અસહ્ય ભાર હળવો કરવા રાષ્ટ્રીય સ્વયમ્ સેવક સંઘના 30 વર્ષથી નીચેની વયના 180 નવયુવાન સ્વયંસેવકો કોરોના ડેઝીગન્ટેડે 1200 બેડ હોસ્પિટલમાં  કોરોનાને લગતા વિવિધ કાર્યોમાં સ્વૈચ્છાએ સેવાર્થે જોડાયા છે. 
 
સિવિલ હોસ્પિટલની 1200 બેડની કોવિડ હોસ્પિટલના નોડલ ઓફિસર ડૉ. હિતેન્દ્ર દેસાઈની દેખરેખ હેઠળ ડૉ. દિવાકર શર્મા અને અન્ય સ્ટાફ દ્વારા આર.એસ.એસ. સ્વયંસેવકોને પી.પી.ઇ. કીટ પહેરવા અને કાઢવાનું, વોર્ડમાં કેવી રીતે સાવધાનીથી કામગીરી કરવાની, કોવિડના ક્યા એરિયામાં કેવી રીતે કામગીરી કરવા જેવી મહત્વની બેઝિક કોવિડ પ્રોટેક્શન અને કોવિડ મેનેજમેન્ટની બાબતોની એક દિવસની તાલીમ આપવામાં આવી હતી. તાલીમ બાદ શુક્રવારથી જ વયંસેવકો માનવતાની સેવામાં લાગી ગયા છે. 
૧૨૦૦ બેડની વિવિધ કોરોનાસંલ્ગન કામગીરીમાં આ સ્વયં સેવકો ત્રણ શિફ્ટમાં લગાતાર સહાયરૂપ બનશે. હોસ્પિટલના હેલ્પ ડેસ્ક, કંટ્રોલ રૂમમાં પેશન્ટની વિગતો આપવા માટે, પેશન્ટ ડિસ્ચાર્જ એરિયામાં, ડેડ બોડી ડિસ્પોઝલ એરિયા, એમ્બ્યુલન્સમાં રહેલ દર્દીને પાણી પહોંચાડવાથી લઇ અન્ય જે પ્રકારની મદદ થઇ શકે તે માટે બધી જગ્યાએ સિવિલના સ્ટાફને સ્વયંસેવકો સહાય કરશે. 
 
અત્યાર સુધી મેડિકલ અને પેરામેડિકલનો મોટી સંખ્યામાં રહેલો સ્ટાફ બોડી ડિસ્પોઝલ, દર્દીના સગાવ્હાલાઓને માર્ગદર્શન જેવી નોન-મેડિકલ કામગીરીઓમાં નાછૂટકે વ્યસ્ત રહેતો હતો. હવે સંઘના સ્વયંસેવકોના આવી જવાથી તેમના શિરે રહેલો બોજ ઘણો ઘટવાની ધારણા સેવાઇ રહી છે.
 
ડો. હિતેન્દ્ર દેસાઈએ આ અંગે કહ્યું કે, “સંઘના સ્વયંસેવકોનું આગમન થવાથી કોવિડ હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ આ નોન-મેડિકલ કામગીરીમાંથી ફ્રી થશે, તેમને દર્દીઓની સેવા માટે વધુ સમય અને મોકળાશ મળશે, જેના પગલે મેડિકલ ક્ષેત્રના મહત્વના કામની ગતિ વેગવંતી બનાવવામાં ખુબ સહાયભૂત થશે.”
 
કુલ 180 સ્વયંસેવકો 60 - 60ના જૂથમાં કુલ 3 શિફ્ટમાં કામ કરશે. શુક્રવારથી આવેલા 180 સ્વયંસેવકો 15 દિવસ માટે આવ્યા છે. ત્યાર પછીના 15 દિવસ આરએસએસના બીજા સ્વયંસેવકો આવશે, જેમની ટ્રેનિંગ અત્યારે ચાલુ છે. કોરોનાની સ્થિતિ જ્યાં સુધી પૂરી કંટ્રોલમાં ન આવી જાય ત્યાં સુધી આરએસએસના સ્વયંસેવકો એક પછી એક બૅચ આ જ રીતે આવ્યા કરશે. 
 
સંધના કાર્યકર્તા તેજસ પટેલ કહે છે કે, કોરોના મહામારીમાં સિવિલ હોસ્પિટલના તબીબોથી લઇ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા અકલ્પનીય કામગીરી રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી છે જે અમે નોંધ્યું છે. કોરોનાની બીજી લહેરમાં માનવબળ પૂરૂ પાડીને હોસ્પિટલની કામગીરીનો ભાર હળવા કરવાના આશય સાથે સંધ દ્વારા સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ ડૉ.જે.વી. મોદી અને બી.જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. પ્રણવ શાહને હોસ્પિટલમાં કામગીરી અર્થેનો પ્રસ્તાવ મૂકતા તેઓએ પણ ઉત્સાહભેર સ્વીકારીને અમારા કાર્યકર્તાઓને  સિવિલ હોસ્પિટલના સેવાયજ્ઞમાં સહભાગી બનાવ્યા છે.