1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 માર્ચ 2022 (12:34 IST)

વડોદરાના ડભોઈમાં ગુમ થયેલી 19 વર્ષીય યુવતીની હત્યા, દુપટ્ટાથી ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી

વડોદરા શહેરના તૃષા સોલંકીની હત્યાની હજુ તપાસ ચાલી રહી છે. ત્યાં ડભોઇ તાલુકાના તાલુકાના મંડાળા ગામની સીમમાં આદિવાસી 19 વર્ષીય યુવતીનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સનસનાટી મચી ગઇ છે. અજાણ્યા હત્યારાઓએ દુપટ્ટાથી ટૂંપો આપી યુવતીને મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ડભોઇ પોલીસે અજાણ્યા હત્યારાઓને શોધવા માટે યુવતીનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવા સાથે ડોગસ્વોડની મદદ લઇ તપાસ શરૂ કરી છે.ડભોઇ પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના મંડાળા ગામમાં રહેતી 19 વર્ષીય દીકરી કિંજલ (નામ બદલ્યું છે)નો મૃતદેહ તા. 25 માર્ચના રોજ સમી સાંજે મંડાળા ગામના રહેવાસી દિપકભાઇ કાંતિભાઇ પટેલના દિવેલાના ખેતરના શેઢા ઉપરથી મળી આવ્યો હતો.ફરિયાદમા જણાવ્યું છે કે, કિંજલ તા. 24 માર્ચના રોજ બપોરના સમયે કુદરતી હાજતે જવા માટે નિકળી હતી. પરંતુ, મોડી રાત સુધી પરત ન ફરતા પરિવારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન, કિંજલનો મૃતદેહ દિપકભાઇ પટેલના ખેતરમાંથી મળી આવ્યો હતો.

આ અંગે પરિવારે ડભોઇ પોલીસને જાણ કરતાં ડભોઇ પોલીસ મથકના પી.આઇ. એમ.આર. ચૌધરી સ્ટાફ સાથે દોડી ગયા હતા. તે સાથે ડભોઇ ડિવિઝનના ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકી પણ સ્થળ ઉપર દોડી ગયા હતા. અને લાશનો કબજો લઇ તપાસ શરૂ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં કિંજલની કોઇ અજાણ્યા શખ્સોએ દુપટ્ટાથી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવે મંડાળા ગામ સહિત પંથકમાં ચકચાર મચાવી મૂકી હતી. વડોદરામાં તૃષા સોલંકીની પ્રેમ પ્રમકરણમા થયેલી હત્યા બાદ આદિવાસી યુવતીની થયેલી હત્યાને પગલે પોલીસે આ બનાવને ગંભીરતાથી લઈ હત્યાનો ભેદ ઉકેલવા ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.આ બનાવ અંગે ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારવામાં આવેલી કિંજલની હત્યા ચોક્કસ ક્યા સમયે કરવામાં આવી છે, હત્યા પહેલાં તેના ઉપર હત્યારાઓએ દુષ્કર્મ આચર્યું છે કે નહીં, તે સહિત અન્ય હકીકત જાણવા ડભોઇ સરકારી હોસ્પિટલમાં કિંજલના મૃતદેહનું પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.