શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 ફેબ્રુઆરી 2019 (14:51 IST)

ઓવરટાઇમ, રજા સહિતની શરતો સાથે દુકાનો ૨૪ કલાક ખૂલ્લી રાખવાની છૂટ

ગુજરાતના મહાનગર પાલિકાના વિસ્તાર, નેશનલ હાઈવે, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોસ્પિટલ અને પેટ્રોલપમ્પ પર આવેલી દુકાનો સરાવે છ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી ખુલ્લી રાખવાની છૂટ આપવાના નિર્ણયથી રોજગારી વધશે તેવી આશા વ્યક્ત કરતાં ગુજરાત રોજગાર નિયમન અને સેવાની શરતોને લગતું ૨૦૧૯નું વિધેયક સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે.

શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરે રજૂ કરેલા આ વિધેયક અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે સવારે છ વાગ્યાથી રાત્રે બે વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવાની છૂટ આપવામાં આવશે. તેને પરિણામે મહિલાઓ માટે વધુ નોકરીની તક ઊભી થશે. જોકે કોઈપણ નોકરિયાત પાસે નવ કલાકથી વધુ કામ લઈ શકાશે નહિ. ત્રણ મહિને ૧૨૫ કલાકથી વધુ ઓવરટાઈમ પણ કરાવી શકાશે નહિ.

તેમને દર અઠવાડિયે એક રજા ફરજિયાત આપવાની રહેશે. તેમ જ તેમની પાસે જે વધારાનું કામ કરાવવામાં આવે તેને માટે ફરજિયાત ઓવરટાઈમ આપવો પડશે. મહિલા કર્મચારીને રાતના નવ વાગ્યા પછી કામ પર રોકી શકાશે નહિ.

મહિલા કર્મચારી માતા હશે તો તેમને ઘોડિયાઘરની સુવિધા આપવી પડશે. તેને રાતની ડયૂટી માટે રોકવી હોય તો તેની પૂર્વ સહમતી મેળવવાની રહેશે. તેમ જ તેને સલામત રીતે ઘરે મૂકી આવવાની વ્યવસ્થા કરવાની રહેશે.

કોન્ગ્રેસના લલિત કગથરાએ જણાવ્યું હતું કે ગૃહ વિભાગનો રિપોર્ટ લીધા વિના જ આ ખરડો તૈયાર કરવામાં આવ્યો હોવાનું જમાય છે. મોટાભાગના ક્રાઈમ રાતના જ બને છે. યુવાનો અવળે રવાડે ચડશે. ચોવીસ કલાક દુકાન ચાલુ રાખશે, પરંતુ મધરાતે ખરીદી કરવા કોણ બહાર નીકળશે. મધરાતે દુકાનો ચાલુ રાખવાને પરિણામે ક્રાઈમમાં વધારો થશે.