દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદઃ વલસાડમાં જળબંબાકારની સ્થિતિ
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત બીજા દિવસે ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આગામી ૨૪ કલાક દરમિયાન ભારે વરસાદની અગાહી હવામાન વિભાગે કરી હતી. રવિવાર સવારથી વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે વાપીમાં નવ ઈંચ અને વલસાડમાં સાત ઈંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વાપી, વલસાડ, કપરાડા અને ધરમપુરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
નવા નીરના પગલે ડેમમાં પાણી ભરાવાની શરૂઆત થઈ હતી. દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હતો. દરમિયાન વાપીમાં નવ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ધરમપુરમાં સાત ઈંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં પારડીમાં પાંચ ઈંચ, વલસાડમાં નવ ઈંચ, ઉમરગામમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડમાં ભારે વરસાદના પગલે છીપવાડ વિસ્તારમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને છીપવાડમાં આવેલા ધુલિયા હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી જતા બંધ કરી દેવામાં આવ્યું હતું. આગામી ૨૪ કલાકમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય કરવામાં આવી હતી. સવારના ૧૦ વાગ્યાથી બપોર બે વાગ્યા સુધીમાં વાપીમાં સાત ઈંચ વરસાદ નોંધાયો હતો. વલસાડ જિલ્લાના કપરાડામાં ૫ ઈંચ વરસાદ નોંધાયો હતો જ્યારે ધરમપુરમાં છ કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં પારડીમાં ત્રણ ઈંચ, વલસાડમાં ૩૬ મિમી, ઉમરગામમાં ૧૩ મિમી વરસાદ નોંધાયો હતો.
સુરત જિલ્લામાં માંગરોળમાં ૧૫ મિમી વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં ૪૨ મિ.મી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના પગલે વલસાડ જિલ્લાનો ધરોઈ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. જ્યારે માંડવીનો ગોડધા ડેમ પણ ભારે વરસાદના પગલે ઓવરફ્લો થઈ ગયો હતો. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી ઓરંગા નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ હતી. માંગરોળનો સિયાલજ ગામનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી સિયાલજ અને કોસંબા વચ્ચેનો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.