ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 12 જૂન 2019 (15:12 IST)

કચ્છથી લઈને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાને હાઇ ઍલર્ટ બનાવાયો: વિજય રૂપાણી

ગુજરાતમાં ‘વાયુ’ વાવાઝોડાના જોખમ વચ્ચે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સરકાર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જૂનાગઢ ખાતે રૂપાણીએ જણાવ્યું હતું કે, સરકાર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. 13મી જૂનના રોજ વાવાઝોડું ગુજરાતમાં ત્રાટકશે તેવી સંભાવના વચ્ચે તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મારી સીધી દેખરેખ હેઠળ તમામ પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે.

બુધવારે આ વિષય પર જ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે. બેઠકમાં ચર્ચા વિચારણા બાદ તમામ પ્રધાનોને અલગ અલગ જિલ્લામાં મોકલવામાં આવશે. જે કલેક્ટરો રજા પર હતા તેમને હાજર થવાના હુકમ કરી દેવાયા છે. તમામ સ્ટાફની રજા રદ કરી દેવામાં આવી છે. કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના દરિયાકાંઠાને હાઇ ઍલર્ટ બનાવવામાં આવ્યો છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં બુધવારથી સ્થળાંતર શરૂ કરવામાં આવશે. કોઈને નુકસાન ન પહોંચે તેવી સૂચના આપી દેવામાં આવી છે. ઓડિશામાં તાજેતરમાં વાવાઝોડું આવ્યું હતું તે અંગે અમે ત્યાંના અધિકારીઓના સંપર્કમાં છીએ. અમે ઓડિશા સરકાર પાસેથી સૂચના અને વાવાઝોડામાં કેવું આયોજન કરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ મગાવ્યો છે. આ ઉપરાંત રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાંગ્રસ્ત 39 ગામોને ઍલર્ટ રહેવાની સૂચના આપી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાના આદેશ કર્યો છે.