શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 12 જૂન 2019 (13:05 IST)

દીવની આસપાસ ભારે પવન અને કડાકા સાથે વરસાદ શરુ થયો, દરિયો ગાંડોતૂર બન્યો

વાયુ વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

ઉનાના વિદ્યાનગરમાં પ્રથમ વરસાદની શરૂઆતમાં જ એક મકાન ધ્વસ્ત થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 300 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે અને ઉચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે.

દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ગઇકાલથી કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે.
અમરેલીના જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યાં હતા અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતીએ પવન ફુકાવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.