શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (12:20 IST)

3 કલાક મેઘરાજાનું તાંડવ: બાપાના ધામમાં 6 ઇંચ વરસાદ, ડેમ થયો ઓવરફ્લો

bagad dam
ગુજરાતમાં કાળઝાળ ગરમીમાં રાહત આપવા માટે લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે. રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે એક આગાહી કરી છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. . ત્યારે મંગળવારે મહુવા તાલુકાના પ્રસિદ્ધ તીર્થધામ બગદાણા ખાતે ગાજવીજ સાથે મેઘરાજાએ તાંડવ સર્જ્યું હતું. જેના લીધે માત્ર 3 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં બગડ ડેમ ઓવરફ્લો થઇ ગયો છે. જેના લીધે નીચાણવાળા વિસ્તારો તેમજ અનેક ગામડાંમાં પાણી ફરી વળ્યા છે.  મહુવા-બગદાણા અને તળાજા-મહુવા રોડ બંધ કરવામાં આ‌વ્યો છે.
bada river
બગડ ડેમ ઓવરફલો થતા મહુવાના મોટી જાગધાર, નાની જાગધાર, લીલવણ તેમજ તળાજાના ખારડી, પાદરગઢ, બોરડી, દાઠા અને વાલર ગામને અસર થવાની શકયતા હોય પાણીના પ્રવાહમાં અવર જવર નહીં કરવા તાકીદ કરાઈ છે.
 
બગદાણા ઉપરાંત તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારો કરમદીયા, માતલપર, બેડા, મોણપર, નવાગામ(રતનપર), ટીટોડીયા, ધરાઇ, રાળગોન, બોરલા સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો.  ભારે વરસાદના કારણે બગડ ડેમ 100 % ભરાઈ ગયા બાદ ઉપરવાસમાંથી પાણીની આવક યથાવત રહેતા 0.15 મિમી ઓવરફલો થયો હતો. 
bagad
જળાશયમાંથી વહેતો પૂરનો પ્રવાહ 4764 ક્યુસેક રાત્રે 10.15 કલાકે હતો. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈ એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. આમ જિલ્લાના મુખ્ય જળાશયો પૈકી એક એવો બગડ ડેમ આ ચોમાસાના પ્રથમ તબક્કાના વરસાદમાં ઓવરફ્લો થયો છે.
 
હવામાન વિભાગના મતે, 30 જૂનથી 1 અને 2 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે તાપી,નવસારી, ડાંગ, નર્મદા સહિતના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડશે. બીજી બાજુ દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમાર અને બંદરો માટે હાલમાં  કોઈ ચેતવણી નથી.