1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 22 જૂન 2021 (12:38 IST)

શાપુર હોનારતને થયા 38 વર્ષ, વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ પણ લીધી હતી મુલાકાત

આજે શાપુર હોનારતને આજે 38 વર્ષ પુરા થયા છે. 22મી જુન 1983ના દિવસે શાપુરમાં 24 કલાક દરમિયાન 70 ઇંચ કરતા વધુ વરસાદ પડતાં ઓજત નદીમાં આવેલા ભયાનક પૂરે શાપુરને ખેદાન મેદાન કરી નાખ્યું હતુ. હજારો પશુઓની સાથે અનેક માનવ જિંદગી પૂરમાં તબાહ થતી જોવા મળી હતી. 1983ની 22મી જૂનના દિવસે શાપુરમાં પડેલા ભારે વરસાદને કારણે સમગ્ર શાપુર ગામ જાણે કે નદીનો ધસમસતો પ્રવાહ બની ગયો હોય તેવા દ્રશ્યોનું વર્ણન જે તે સમયે શાપુર હોનારતને નજરે જોનારા લોકોએ પોતાની મનોવ્યથા વ્યક્તિ કરી હતી. 24 કલાકમાં પડેલા ભારે વરસાદે શાપુરના મોટા ભાગના ઘરો જળમગ્ન બની ગયેલા જોવા મળતા હતા. લોકો પોતાનો જીવ બચાવવા ખુબજ સંઘર્ષ કરતા હતા, પરંતુ કાચા અને નળિયાવાળા મકાનો હોવાને કારણે ધસમસતા પાણીના પ્રવાહમાં શાપર વાસીઓનો જીવ પાણી પર તરતો જોવા મળતો હતો. હજારોની સંખ્યામાં પશુધન પૂરમાં તબાહ થયું હતું. અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો. આજે આ વસમી તારીખને 38 વર્ષ થયા.
 
 શાપુર હોનારતની ભયાનકતને ધ્યાને લઈને જે તે સમયના ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પણ તાકીદે શાપુરની મુલાકાત કરી હતી અને રાહત તેમજ બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરીને તાકીદે જાન અને માલનું જે નુકસાન શાપુર વાસીઓને થયું હતું તેનું વળતર ચુકવવાની જિલ્લા વહીવટીતંત્રને આદેશ પણ કર્યો હતો. ઇન્દિરા ગાંધીના શાપુર મુલાકાતને લઇને પૂર પીડિતોને ન્યાય મળવાની આશા બંધાઈ હતી અને થોડા જ સમયમાં પશુધનથી લઈને જાનમાલના નુકસાનનું વળતર આપવામાં આપ્યું હતુ.