રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (10:47 IST)

છ મહિનાથી પાકિસ્તાનમાં ફસાયેલા ૪૦ ગુજરાતીઓ વતન પરત ફરતા વાઘા બોર્ડર પર ‘કહી ખુશી કહી ગમ’

અમદાવાદના યુવાન અવિનાશ ભાઇ વ્યવાસયે સી.એ. છે. માર્ચ મહિનામાં તેઓ પાકિસ્તાન પરણવા ગયા હતા. લગ્ન થયા બાદ તુરંત લોકડાઉન લાગુ થયું. માતા સાથે અવિનાશભાઇને ત્યાંજ રોકાવું પડ્યું. ભારત પરત ફરવાનો વારો આવ્યો ત્યારે એક વિટંબણા આવી. અવિનાશભાઇના પાકિસ્તાનના નાગરિક એવા ધર્મપત્નીની લોંગ ટર્મ વિઝાની ફ્રેશ એપ્લિકેશન કરી હોવાથી હાલ પતિ સાથે ભારત આવવાનું શક્ય ન બન્યું. અવિનાશભાઇના ધર્મપત્ની ગર્ભવતી છે. આવા સમયે અવિનાશભાઇ તેમના ૫૮ વર્ષીય માતા સાથે અમદાવાદ પરત ફર્યા છે. અવિનાશભાઇને પોતાના ધર્મપત્નીની જરૂરી દસ્તાવેજી કામગીરી પુરી થાય અને તેણી જલદીથી ભારત આવી જાય તેની રાહ છે.
કોરોના સંક્રમણની વૈશ્વિક મહામારી અને ત્યારબાદ દુનિયાભરના દેશોએ અપનાવેલા લોકડાઉનને કારણે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સીમાઓ પણ બંધ કરવામાં આવી હતી.દુનિયાના ઘણા ખરા દેશોમાં ગુજરાતી સહિત અન્ય ભારતીયો વતન પરત ફરવાની રાહમાં અટવાયા હતા. આવા સમયે ‘વંદે ભારત મિશન’ જેવા અનેકાનેક પગલાં થકી કેન્દ્ર અને રાજ્યની સરકારોએ નાગરિકોને પરત લાવવાની કામગીરી કરી છે.
આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં વિભિન્ન કરણોસર પાકિસ્તાન ગયેલા ગુજરાતીઓ લોકડાઉનને કારણે ત્યાં અટવાયા હતા. તેઓએ બિન નિવાસિ ગુજરાતી પ્રભાગના મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો મદદના આશયથી સંપર્ક કર્યો હતો. પ્રદિપસિંહ જાડેજાના દિશાસુચનથી એન.આર.જી. ફાઉન્ડેશને આ ગુજરાતીઓને પરત લાવવાની જરૂરી કામગીરી આરંભી હતી. વિદેશ મંત્રાલય અને ભારત સરકાર સાથે સંકલન હાથ ધરી એન. આર.જી. ફાઉન્ડેશન અને ભારતીય સિંધુ સભાએ પણ જહેમત ઉઠાવી હતી.
 
સમગ્રતયા કામગીરીને પરિણામે બુધવારે લગભગ ૪૦ જેટલા ગુજરાતીઓએ વાઘા બોર્ડર પાર કરી ભારતમાં પ્રવેશ મેળવ્યો હતો. વાઘા બોર્ડર પાર કરનાર ગુજરાતીઓ સહિત અન્ય ભારતીયોનો કુલ આંક ૪૦૦ જેટલો થાય છે. તેમ ભારતીય સિંધુ સભાના જિલ્લા પ્રભારી ડૉ. અનિલ ખત્રીએ જણાવ્યું હતું.
 
વિનોદભાઇએ પત્ની આરતીબેન, દિકરો લક્ષ્ય અને નાના ભાઇ રાહુલ સાથે વાઘા બોર્ડર પાર કરી ત્યારે તેમના હૈયે ઉઠેલો હાશકારો અવર્ણનિય હતો. માર્ચ મહિનામાં હૈદરાબાદ-પાકિસ્તાનમાં લગ્ન પ્રસંગે ગયેલા વિનોદભાઇ લોકડાઉન લાગુ થતા અટવાયા હતા. નો ઓબ્લિગેશન ટુ રિટર્ન ટુ ઇન્ડિયા(NORI) પત્ર સાથે સહપરિવાર ગયેલા વિનોદભાઇની વિઝા ટર્મ પણ પુરી થઇ ગઇ હતી. વતન પરત ફરવાની રાહમાં તેઓ પાકિસ્તાનમાં દિવસો પસાર કરી રહ્ય હતા. વિનોદભાઇ  અમદાવાદમાં મિકેનીકનો વ્યવસાય કરે છે.
 
કોરોના પ્રોટોકોલને કારણે તમામ યાત્રિઓના વાઘા બોર્ડર પર કોવિડ-૧૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પરત ફરનાર કોઇ જ યાત્રીનો ટેસ્ટ રિઝલ્ટ પોઝિટિવ આવ્યો નથી જે સારી બાબત છે. એન.આર.જી પ્રભાગના સચિવ ધનંજય દ્વિવેદીના જણાવ્યા અનુસાર ગુજરાત પરત આવેલ તમામ યાત્રીઓ ૧૪ દિવસ માટે ક્વોરંટાઇન થશે. કોરોનાની કઠણાઇ વચ્ચે સરકારની સંવેદનશીલતાને કારણે પાકિસ્તાનમાં ફસાયેલા ૪૦ ગુજરાતીઓ વતન પરત ફર્યા છે.