શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગાંધીધામ , શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (12:20 IST)

કંડલા પોર્ટ પાસે તંત્રએ ગેરકાયદે દબાણો હટાવી 400 કરોડની જમીન ખુલ્લી કરાવી

kandla
kandla
 કંડલા પોર્ટ આસપાસ ઓથોરિટી દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. 50 વર્ષથી ઊભા થયેલા ગેરકાયદેસર દબાણો પર પોર્ટ તંત્રએ ગઈકાલે બુલડોઝર ફેરવી દીધું હતું. પોલીસ અને CISFના સહયોગથી કચ્છના સૌથી મોટા ડિમોલિશનની કાર્યવાહીથી એક જ દિવસમાં 600 જેટલાં કાચાં-પાકાં દબાણો તોડી પડાયાં હતાં. અંદાજે 400 કરોડની 150 એકર જમીનને દબાણમુક્ત કરાઈ હતી. આ ડિમોલિશનના પગલે ઝૂંપડપટ્ટીમાં રહેતાં અંદાજે સાડા પાંચેક હજાર લોકોને રાતોરાત ઉચાળા ભરવાનો વારો આવ્યો છે. 
 
અંદાજે પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા
ક્રિકમાં સતત વધતાં જતાં ઝૂંપડાઓ અને દબાણો એક મોટો પ્રશ્ન દશકાઓથી બનેલો હતો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સમુદ્રી ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે 150 એકર જમીન પર ગેરકાયદે બની ગયેલી બન્ના ઝૂંપડપટ્ટીને હટાવવા મેગા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરાઈ હતી. ગત 1લી સપ્ટેમ્બરે પોર્ટ પ્રશાસને દબાણ હટાવો ઝૂંબેશ હાથ ધરાશે તેવી નોટિસ તમામને આપવામાં આવી હતી. ગુરુવારે સવારે 6 વાગ્યાથી બુલડોઝર અને જેસીબી સાથે આવી પહોંચેલા પોર્ટ પ્રશાસન, પોલીસ અને CISF દ્વારા દબાણ હટાવ કામગીરી શરૂ કરીને અંદાજે અઢી કિલોમીટરનો પટ્ટો સાફ કરી નાખ્યો હતો. જેમાં 600 જેટલાં ઝૂંપડાં તોડવામાં આવ્યાં, જેમાં અંદાજે ત્રણથી પાંચ હજાર લોકો વસવાટ કરતા હતા. 
 
પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખી દબાણો દૂર કરાયા
ખુલ્લી થયેલી જમીનની કિંમત 400 કરોડથી વધુની હોવાનો અંદાજો લગાવાઈ રહ્યો છે. આ પગલાથી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવામાં સહાયતા મળશે તેમ પોર્ટ પ્રશાસને જણાવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે આ કાર્યવાહી કોસ્ટલ સુરક્ષા દૃષ્ટિકોણથી મહત્ત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે જેટલી અહીં ગુનાહિત પ્રવૃત્તિઓ થતી હતી જેમ કે પાઈપલાઈનને નુકસાન, ઓઈલ ચોરી, ઓટીબીમાંથી ચોરી તે બન્ના ઝૂંપડાં અને ઈફ્કો ઝૂંપડાં વિસ્તારના જ આરોપીઓ દ્વારા કરતા હોવાનું વારંવાર સામે આવતું હતું. જેથી તમામ દૃષ્ટિકોણથી આ કાર્યવાહી સમયની માગ હતી. રાષ્ટ્રીય સુરક્ષા અને પોર્ટની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ દબાણો દૂર કરવામાં આવ્યાં છે.