ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (17:28 IST)

અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. વલસાડ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ગઇકાલ બાદ આજે પણ મોડી રાતથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. રાજ્યનું ચેરાપૂંજી એવા કપરાડા વિસ્તારમાં મેહુલિયાએ ધમાકેદાર એન્ટ્રીની દસ્તક આપી છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાતથી વરસાદી ઝાપટાંની શરૂઆત થઈ હતી.

આ સાથે જ હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં 5 દિવસ સુધી વરસાદની આગાહી આપી છે. જે મુજબ 9મી જૂનથી 13મી જૂન સુધી રાજ્યના સૌરાષ્ટ્ર તથા દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના ચમકારા સાથે હળવાથી લઈને મધ્યમ સુધીનો વરસાદ પડી શકે છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, બોટાદ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો સમાવેશ થાય છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત તથા ભરુચમાં વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.12 અને 13 જૂનના રોજ મધ્ય ગુજરાતના અમદાવાદ, આણંદમાં પણ વરસાદની આગાહી જાહેર કરાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રના અન્ય ભાગો તથા ઉત્તર ગુજરાતમાં આ દરમિયાન હવામાન સામાન્ય રહેશે. બીજી બાજુ વરસાદના આગમનને પગલે અમદાવાદના તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જેમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.