સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 જૂન 2021 (17:12 IST)

હાર્દિક પટેલને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું, ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ અંગે ચર્ચા કરાશે

કોંગ્રેસને બેઠી કરવા માટે હાઈકમાન્ડ આજે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત કરે એવી શક્યતા છે. હાલ કોંગ્રેસમાંથી પ્રદેશ પ્રમુખપદ માટે ભરતસિંહ, શક્તિસિંહ ગોહિલ અને અર્જુન મોઢવાડિયાનાં નામો ચર્ચામાં છે, જેમાં પોરબંદરના વતની અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખની નિમણૂક બાબતે કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા હાર્દિક પટેલને દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

હાર્દિક પટેલ દિલ્હી પહોંચ્યા બાદ ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાની નિમણૂંક અંગે હાઇકમાન્ડ સમક્ષ પોતાના વિચારો રજૂ કરી શકે છે. સાથે જ રાજ્યમાં આગામી 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવા માટે રણનીતિને લઈને સિનિયર નેતાઓ સાથે પણ ચર્ચા કરશે. હાર્દિક પટેલ ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ તરીકે યથાવત રહે તેવી પ્રબળ સંભાવના છે. બીજી તરફ હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દિલ્હીમાં ધામા નાંખ્યા છે.

ઘણા લાંબા સમયથી ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ, વિધાનસભા વિપક્ષના નેતા અને ગુજરાત કોંગ્રેસ પ્રભારીને લઈને કોંગ્રેસ હાઇકમાન્ડમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. વર્તમાન પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ રાજીનામા આપી દીધા હતા. પરંતુ હજુ સુધી નવા પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી નથી. બીજીતરફ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ ગુજરાતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ત્યારે હવે ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા માટે નવા ચહેરાઓ મૂકવામાં આવે તેવી પણ ચર્ચા ચાલી રહી છે