બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 મે 2022 (09:21 IST)

અમદાવાદમાં વેપારીના ઘરે જઈને 4.50 લાખનો તોડકરનાર બે પોલીસ કર્મીઓ સામે ગુનો નોંધાયો

અમદાવાદમાં વેપારીના ઘરે જઈને તોડકરનાર મણીનગર પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મીના વિરુદ્ધમાં તપાસ હાથ ધરી તેમને સસ્પેન્ડ કરાયા હતા. દરમિયાનમાં આ મામલે પુરાવા કે ડિવીઝન એસીપી મેળવી લેતા આ કિસ્સામાં ગુનો નોધાયો હતો. બે પોલીસ કર્મી વિરુધ્ધમાં 448, 465, 201, 384, 323, 294 બી, 506 એ, 114 કલમો હેઠળ ગુનો નોધાયો હતો.

મણીનગરમાં રહેતા શ્રીજી મધના માલિક ગૌરાંગ પટેલના ઘરે 2 મેના રોજ રાતે 8.30 વાગે મણીનગર પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પીયુષ અને કુલદીપ આવ્યા હતા અને તમે બુટલેગર છો, દારૂનો ધંધો કરો છો કહીને તેમના ઘરના રૂમમાં તપાસ કરવા લાગ્યા. દરમિયાન 2 કોન્સ્ટેબલ પૈકી કુલદીપ નામના કોન્સ્ટેબલે પોતાના શર્ટનું બુટન જાતે તોડી નાખ્યું અને પોલીસની કામગીરીમાં અડચણ કરો છો તેમ કહીને પીસીઆર વાન બોલાવી તેમાં ગૌરાંગભાઈ અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને ડી સ્ટાફ ઓફીસ લઇ ગયા હતા.બાદમાં બંને કોન્સ્ટેબલે ગૌરાંગભાઈના પિતા પાસે 10 લાખની માંગણી કરી હતી અને તેમના ભાઈ ચંદ્રેશભાઈને માર મારવાનું શરુ કર્યું હતું, સાથે જ ધમકી આપી કે, 'તમારા બંને છોકરાઓને કેવા ફીટ કરી દવ છું જુઓ અને હાઈકોર્ટમાંથી પણ જામીન નહીં મળે તેવું'. જેના પગલે પિતા ડરી ગયા હતા અને તેમના ઘરેથી 4.50 લાખ લઈને આવ્યા હતા અને માત્ર આટલા જ રૂપિયા પડ્યા હોવાનું જણાવ્યું હતું.પૈસા આપ્યા બાદ તેમની પાસે એક કાગળ પર સહી કરાવી હતી જેમાં લખ્યું હતું કે, અમે તમારા ઘરે રેડ કરી તેમાં કઈ મળ્યું નથી અને અમે તમને કંઈ કર્યું નથી. બાદમાં વેપારી અને તેને ભાઈનો છોડી દીધા હતા. વેપારી ગૌરાંગભાઈએ આ અંગે પોલીસ કમિશનરને ફરિયાદ કરતા તેમણે તપાસના આદેશ આપ્યા હતા. બાદમાં ઝોન-6ના ડીસીપીના સુપર વિઝન હેઠળ એસીપી કે ડિવીઝને તપાસ કરી પુરાવા પણ મેળવી લીધા હતા. જેથી બંને પોલીસ કર્મીઓ વિરુધ્ધમાં ગુનો નોધાયો હતો.