રાજ્યમાં ઠંડીની નવી ઇનિંગ શરૂ, 5 શહેરોમાં તાપમાન સિંગલ ડિજિટમાં
હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી દિવસોમાં ફરી એકવાર ઠંડી જોર પકડશે. ત્યારે રાજ્યમાં ઠંડીની નવી ઇનિંગની ધમાકેદાર શરૂઆત થઇ ગઇ છે. ત્યારે 4.5 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે સોમવારથી રાજ્યમાં હાડ થિજવતી ઠંડી પડવાની સંભાવના છે. આગામી 3 દિવસ તો તાપમાનનો પારો ગગડીને 4 થી 6 ડિગ્રી સુધી ઘટી જશે. માછીમારોને 26 જાન્યુઆરી સુધી દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે. 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, ભાવનગર, દહેજ, દમણના ખેડૂતોને ચેતવણી આપવામાં આવી છે.
રાજ્યના પાંચ શહેરોમાં તાપમાનનો આંકડો સિંગલ ડિજિટમાં રહ્યો છે. અમદાવાદમાં 6.7 ડિગ્રી લધુત્તમ તાપમાન રહ્યું હતું. જ્યારે ડીસા 8, વડોદરા 8.4, રાજકોટ 9.7, સુરત 10.2 અને ભાવનગરમાં 10.4 તાપમાન નોંધાયું છે. આગામી એક સપ્તાહ સુધી ઠંડીની અસર જોવા મળશે.
હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું હતું કે હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઇ ગયું છે અને તે ખૂબ જલ્દી જ ગુજરાત તરફ આગળ આવશે. આ પરિસ્થિતિને અનુસાર ગુજરાતમાં આગામી 48 કલાકમાં જ કમોસમી વરસાદ શરૂ થઈ જશે. તેમ જ ઠંડી પણ ખૂબ જોર પકડશે. 23મી જાન્યુઆરી થી 28મી જાન્યુઆરી સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડી પડશે, જેમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કાતિલ પવનો ફૂંકાઈને ઠંડીનો અહેસાસ થશે.
આ વરસાદની મોટાભાગની અસર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પડવાની છે. હાલ આગાહીના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધૂમ જ જોવા મળી રહ્યું છે. જેના પગલે વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ખૂબ મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.